Russia Ukraine War: 1300 કિમી સતત કાર ચલાવીને બોર્ડર પહોંચી ભારતની બહાદુર વિદ્યાર્થિનીઓ!

 

બેંગ્લોર- રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી શરુ કરી છે ત્યારથી યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પાછા લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓ જેમ તેમ કરીને જીવના જોખમે બોર્ડર પર જઈ રહ્યા છે. ભારતની બે બહાદુર વિદ્યાર્થિનીઓનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને કોઈ પણ તેમની બહાદુરીને સલામ કરશે. આ છોકરીઓએ રસ્તામાં જમવા અને સુવા માટે રોકાયા વિના, ચારે બાજુ હુમલા થતા હુમલાની વચ્ચે 1300 કિમીનું અંતર કાપ્યું અને પોતાની સાથે અન્ય ત્રણ મિત્રોના જીવ પણ બચાવ્યા.

બેંગ્લોરની રચના શ્રી અને ચિત્રદુર્ગાની સુનેહા થિપ્પેસ્વામી Zaporizhzhiaમાં સ્થિત સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેમણે ભારત પાછા આવવા માટે 23મી ફેબ્રુઆરીની ટીકીટ બુક કરી હતી. તેઓ જ્યારે એરપોર્ટ પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી. બન્ને છોકરીઓ કીવમાં પોતાના મિત્રો પાસે જતી રહી.

યુક્રેનની રાજધાની કીવમાં 24મી ફેબ્રુઆરીના રોજ ભારે ગોળીબાર થઈ રહ્યો હતો. બંકર્સ પણ દૂર હતા. સુનેહા જણાવે છે કે, કીવ યુનિવર્સિટીમાં ભણતો અમારો એક મિત્ર પાર્ટ-ટાઈમ કાર ચલાવતો હતો. શેલિંગ ખૂબ વધી ગયુ હતું. 11 વાગ્યા સુધીમાં અમે શહેર છોડવાનો નિર્ણય લીધો અને બોર્ડર વિસ્તાર Uzhhorod પહોંચવાનું નક્કી કર્યું. અમારી પાસે જે સામાન હતો તે અમે લઈ લીધો. આંધ્રપ્રદેશના બે અન્ય વિદ્યાર્થીઓ પણ અમારી સાથે નીકળ્યા.

રચના તે સમય યાદ કરતાં જણાવે છે કે, એમ્બેસી તરફથી એવી સૂચના આપવામાં આવી હતી કે ભારતીય ધ્વજ પોતાની સાથે રાખવો. અમારી પાસે ધ્વજ નહોતો. અમે એ4 શીટ લીધી અને ક્રેયોનની મદદથી તેના પર રંગ કર્યો અને તે કાગળને કાર પર ચોંટાડી દીધો. અમે જ્યારે રોડ પર હતા ત્યારે યુક્રેનના જવાનોએ અમને રોક્યા અને સલાહ આપી કે અમારે હેડલાઈટ વગર ડ્રાઈવ કરવું જોઈએ જેથી કોઈનું ધ્યાન અમારા પર ના પડે.

રચનાશ્રી આગળ જણાવે છે કે, અમે રસ્તામાં માત્ર ચાર વાગર ઉભા રહ્યા એ પણ ગાડીમાં ફ્યુલ નાંખવા માટે. 48 કલાક સુધી અમે સતત ડ્રાઈવ કર્યું. અમે રસ્તામાં કંઈ ખાધુ પણ નહોતું. અમારી પાસે ચોક્લેટ મિલ્કના પેકેટ હતા. અમે ટોઈલેટ જવાની જરૂર ન પડે તે માટે તે ડ્રિંક પણ વધારે નહોતા પીતા. રસ્તામાં યુક્રેનના જવાનોએ અમને બ્રેડ આપ્યા હતા. અમે અહીં પહોંચવા માટે લગભગ 30,000 રુપિયાનું પેટ્રોલ પૂરાવ્યુ હતું. અમારી આંખોની સામે બોમ્બ ફૂટી રહ્યા હતા. અમે ચૂપચાપ ગાડી ચલાવી રહ્યા હતા. અમને ખબર નહોતી કે અમે બીજો દિવસ જોઈ શકીશું કે નહીં.

રચના જણાવે છે કે, એકવાર અમારી બાજુમાં આર્મી ટ્રક ચાલી રહી હતી. આર્મી ટ્રક પર કંઈક પડ્યું અને બીજી મિનિટે અમે જોયું કે ડ્રાઈવરનું મૃત્યુ થઈ ગયું છે અને ટ્રક ઉંધી વળી ગઈ છે. સૈનિકો ફાયરિંગ કરી રહ્યા હતા. રસ્તામાં એક સ્થળ પર યુક્રેનના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મારા એક મિત્રએ તેમની તસવીર લેવાનો પ્રયત્ન કર્યો તો તેઓ રોષે ભરાઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલ્યો અને અમને ધમકાવવા લાગ્યા. તેમણે ભારતનો ધ્વજ જોયો તો અમનો છોડી દીધા.

26મી ફેબ્રુઆરીના રોજ આ વિદ્યાર્થીઓ Uzhhorod પહોંચ્યા. 27મી ફેબ્રુઆરીના રોજ તેમની સાથે આવેલો મિત્ર કીવ જવા પાછો ફર્યો જેથી અન્ય વિદ્યાર્થીઓની મદદ કરી શકે. 6 માર્ચના રોજ ચાર વિદ્યાર્થીઓ સુરક્ષિત ભારત પહોંચી ગયા.

Source link