PSI ભરતી: પ્રિલિમનરી પરીક્ષાના પરિણામ અંગે IPS વિકાસ સહાયે આપી મહત્વની માહિતી

 

ગાંધીનગર: પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)કેડરની પ્રિલિમીનરી પરીક્ષા 6 માર્ચના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સમગ્ર ગુજરાત રાજ્યમાં OMR-આધારિત ઑફલાઇન મોડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે. ત્યારે પરિણામ જાહેર ન થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયએ સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અંગત કારણોસર લાંબી રજા પર હતો. પરિણામ જાહેર કરવામાં વિલંબ કરવા બદલ માફી માંગુ છું. 72 કલાકનો મને સમય આપો. ઉલ્લેખનીય છે કે, PSIની લેખિત પરીક્ષા દરમિયાન મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સ્થગિત થઈ શકે તે માટે રાજ્યમાં પહેલી વખત દરેક કેન્દ્ર અને દરેક વર્ગખંડમાં જામર લગાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

6 માર્ચના રોજ રાજ્યના 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાઈ હતી. સવારે 9 વાગ્યાથી શરુ થયેલી લેખિત પરીક્ષા સવારે 11 વાગ્યા સુધી ચાલી. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે વિશેષ તૈયારી કરી હતી. પેપર ફુટવાની ઘટનાઓને ધ્યાને લઈને આ વખતે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામરની વ્યવસ્થા કરી હતી.

PSIની જગ્યાઓ માટે આ પહેલાં લેવાયેલી શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી 96231 ઉમેદવારો ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયા હતા. જેમના માટે અમદાવાદ અને ગાંધીનગર શહેરના જ 312 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા હતા. પરીક્ષાને લઈને 75 પાનાની એક એસઓપી નક્કી કરાઈ હતી.

Source link