Obstructive Sleep Apnea: નસકોરાંને લગતી એ બીમારી જેના કારણે થયું ‘ડિસ્કો કિંગ’ બપ્પી લહેરીનું નિધન, જાણો શું છે તેના લક્ષણો?

ભારત રત્ન લતા મંગેશકર(Lata Mangeshkar)ના નિધનના થોડા દિવસ પછી બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે અન્ય એક દુખના સમાચાર સામે આવ્યા છે. 80 અને 90ના દશકમાં ભારતમાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર અને ગાયક બપ્પી લહેરી(Bappi Lahiri)એ બુધવારના રોજ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની ઉંમર તે સમયે 69 વર્ષ હતી. બપ્પી દાના નિધનના સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. પરંતુ જ્યારે આ સમાચારની પૃષ્ટિ કરવામાં આવી તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા.

ક્રિટિકેર હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર દીપલ નામજોશી જણાવે છે કે, બપ્પી લહેરીને પાછલા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારના રોજ તેમને રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારના રોજ તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી અને તેમને ફરી હોસ્પિટલ લાવવામાં આવ્યા. તેમને સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ હતી. તેમનું મૃત્યુ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા(Obstructive Sleep Apnea) નામની બીમારીને કારણે થયું છે. આ બીમારીને ટૂંકમાં OAS તરીકે ઓળખવામાં આવે છે. અહીં અમે તમને આ બીમારીના લક્ષણો સહિતની અન્ય જાણકારી આપીશું.

શું છે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા?

ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા ઊંઘ સંબંધિત ડિસઓર્ડર છે. જેના કારણે ઊંઘતી વખતે શ્વાસ વારંવાર અટકી-અટકીને ચાલે છે. આ બીમારીમાં વ્યક્તિનો શ્વાસ ઊંઘમાં રોકાઈ જાય ત્યારે તેને જાણ પણ નથી થતી. ઊંઘમાં શ્વાસ અટકી જવાની સમસ્યા કેટલીક સેકંડથી લઈને 1 મિનિટ સુધી થઈ શકે છે. સ્લીપ એપનિયા ઘણાં પ્રકારના હોય છે પરંતુ તેમાંથી સૌથી સામાન્ય ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે. આ ત્યારે થાય છે જ્યારે ગળાની માંસપેશીઓ ઊંઘ દરમિયાન ઢીલી પડી જાય છે અને હવાની અવર-જવરમાં રુકાવટ પેદા કરે છે. જેના કારણે નસકોરાં બોલે છે. જોકે, નસકોરાં બોલતા હોય તે દરેક વ્યક્તિને આ બીમારી હોય તેવું નથી હોતું. આ બીમારીમાં શ્વાસનળીના ઉપરના માર્ગમાં રુકાવટ આવતાં વાયુનું વહન યોગ્ય રીતે થતું નથી. લાંબા સમય સુધી શ્વાસ ન લઈ શકાતાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગે છે અને દર્દીનું મોત થઈ જાય છે. સ્થૂળતા આ બીમારીનું એક કારણ છે અને 60ની ઉંમર પછી ખતરો વધી જાય છે.

લક્ષણો

નસકોરાં બોલાવવા એ આ બીમારીનું સૌથી મહત્વનું લક્ષણ છે. આ સિવાય તેના અનેક બીજા લક્ષણો પણ છે, જેમ કે દિવસના સમયે ઊંઘ આવવી, જોરથી નસકોરાં બોલાવવા,ઊંઘમાં શ્વાસ રોકાઈ જવો, હાંફી જવાને કારણે એકાએક આંખ ખુલી જવી, મોઢું સુકાઈ જવું, ગળામાં ખારાશ આવવી, સવારના સમયે માથામાં દુખાવો થવો, દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થવી, મનોદશામાં બદલાવ, ચિડિયાપણું, બ્લડ પ્રેશર વધી જવું વગેરે.

આમ તો આ બીમારી કોઈને પણ થઈ શકે છે, પરંતુ તેના અમુક કારણોસર તેનું જોખમ વધી શકે છે. ડોક્ટર્સનું માનવું છે કે મેદસ્વીતાથી પીડિત લોકો, વધારે ઉંમરના લોકો, હાઈપરટેન્શનના દર્દીઓ, ક્રોનિક નેઝલ કન્જેશન, ડાયાબિટિસ, સ્મોકિંગ કરનારા લોકો અને ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોને આનું જોખમ વધારે હોય છે.

જો ઉપર જણાવવામાં આવેલા લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. ક્યારેક ક્યારેક નસકોરાં બોલે તે સમાન્ય વાત છે પરંતુ જો તમને હંમેશા નસકોરાં બોલતા હોય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. જો તમે સવારે ઉઠો ત્યારે હાંફ ચઢો, ઉંઘમાં ગૂંગળામણનો અનુભવ થાય તો મોડું કર્યા વગર ડોક્ટરની મુલાકાત લો. આ સિવાય જો તમને દિવસે વધારે ઊંઘ આવે છે, કામ કરતી વખતે, ટીવી જોતી વખતે અથવા વાહન ચલાવતી વખતે પણ ઊંઘ આવતી હોય તો પણ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

Source link