NRIનો આરોપ, પરમિટ છતાં પોલીસે એરપોર્ટ બહાર રોકીને સ્કોચની બોટલ રાખવા મામલે ₹40 હજાર પડાવ્યા

 

ભારતીય મૂળના ઝામ્બિયન નાગરિકે ફરિયાદ કરી છે કે તે 4 માર્ચે અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર હતો ત્યારે પોલીસે ગેરકાયદેસર રીતે સામાનની તપાસ કરી હતી અને ગેરકાયદેસર રીતે તેનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો એટલું જ નહીં તેની પાસે રહેલી સ્કોચની બે બોટલ કબજે કરી રૂ. 40,000 ઉખાવ્યા હતા. જ્યારે ફરિયાદી પાસે કાયદેસરની પરમિટ હતી. આ સાથે તેણે જણાવ્યું કે બુધવારે અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલી તેની પૌત્રીને પણ પોલીસ દ્વારા આવા જ અનુભવનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરામાં ઘર ધરાવતા સિનિયર સિટીઝન અને ઝામ્બિયાના નાગરિક જોતેન્દ્ર પટેલ (74) 4 માર્ચે સવારે 3 વાગ્યે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં વડોદરાથી તેમનો મિત્ર પોતાની કારમાં તેમને લેવા આવ્યો હતો. એક્સપ્રેસ વે પર એરપોર્ટથી લગભગ 4-5 કિમી દૂર, પોલીસે ટોર્ચ ફ્લેશ કરીને અને તેમને કાર રોકવા માટે કહ્યું. ‘તે જગ્યાએ ખૂબ જ અંધારું હતું તેમ છતાં અમને કાર ઉભી રાખવા માટે કહેવામાં આવ્યું’ તેમણે ઉમેર્યું કે ત્યાં કુલ પાંચ-છ પોલીસવાળા હતા. અમને પૂછવામાં આવ્યું કે શું અમે દારૂ લઈ જઈ રહ્યા છીએ. મેં તેમને કહ્યું કે હું એનઆરઆઈ છું અને તેથી દારૂની બે બોટલ લઈ જવાની પરવાનગી છે. તેઓએ કારની ચાવી જ કાઢી લીધી અને અમને સામાન તેમજ બેગ ખોલવા માટે દબાણ કર્યું. સામાનમાંથી દારૂની બે બોટલ મળી આવતાં તેમણે મારો પાસપોર્ટ જપ્ત કર્યો હતો.” તેમ પીડિત એનઆરઆઈએ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું.

પટેલનો દાવો છે કે પોલીસે તેમને યુએસ ડૉલરમાં ‘દંડ’ ચૂકવવાનું કહ્યું હતું. ”પોલીસે મને US$2,500 એટલે કે લગભગ રૂ. 1.75 લાખ ચૂકવવાનું કહ્યું. મેં તેમને કહ્યું કે હું ભારતનો નહીં પરંતુ ઝામ્બિયાનો નાગરિક છું અને તેથી મને કાયદેસર રીતે દારૂની બે બોટલ લઈ જવાની પરવાનગી કાયદા દ્વારા આપવામાં આવી છે. પરંતુ તેમણે કાર જપ્ત કરવાની ધમકી આપી હતી અને મારો પાસપોર્ટ પણ પરત આપવાની ના પાડી હતી. કાર મારા મિત્રની હતી જે ખૂબ ડરી ગયો હતો. આખરે પોલીસે 40,000 રૂપિયા આપી સમાધાન કરવા માટે કહ્યું હતું.”

” જોકે જ્યારે મેં તેમને કહ્યું કે મારી પાસે એટલી રોકડ નથી, ત્યારે તેઓએ મને એટીએમમાંથી ઉપાડવાનું કહ્યું. એક પોલીસ જવાન મારી સાથે સ્કૂટર પર એટીએમમાં ગયો અને મને 40,000 રૂપિયા ઉપાડવાની ફરજા પાડી હતી તે બાદ જ મારો પાસપોર્ટ અને કાર છોડાવામાં આવ્યા હતા.” તેમ પટેલે આક્ષેપ કર્યો હતો. પટેલે કહ્યું કે એટલેથી જ વાત અટકતી નથી પોલીસે મિત્રની કારના ડ્રાઈવરને પણ 3000 રૂપિયા ચૂકવવાની ફરજ પાડી હતી. જે બાદ ડ્રાઈવેર પૂછ્યું કે જો આગળ હાઈવે પર અથવા અન્ય કોઈ જગ્યાએ અમને ફરીથી રોકવામાં આવે તો શું થશે, જેના પર પોલીસે એક નામ આપ્યું અને કહ્યું કે જો આગળ પોલીસ રોકે તો આ નામનો ઉલ્લેખ કરશે તો તેમને હેરાન કરવામાં આવશે નહીં.

પટેલે આ સાથે આક્ષેપ કર્યો હતો કે, “મારી જેમ પોલીસે બે દિવસ પહેલા અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી મારી 18 વર્ષની પૌત્રીની પણ તપાસ કરી હતી અને હેરાનગતિ આપી હતી.” તેમણે જણાવ્યું હતું કે જો પોલીસે તેની પૌત્રીને પણ આવી જ રીતે રોકી ન હોત તો તેઓ ઘટનાને લઈને કોઈ ફરિયાદ ન કરત પરંતુ હવે આ બહુ કહેવાય જ્યારે એક સગીર વયની છોકરીને આ રીતે રોકીને અંધારામાં કારમાંથી ઉતારી દેવામાં આવે. પટેલે કહ્યું કે ”મારી પૌત્રી મન્નતી ચિરાગ પટેલ જે 18 વર્ષની છે, બુધવારે યુએસથી આવી હતી. અમદાવાદ એરપોર્ટની બહાર નીકળતાં જ પોલીસે તે જ જગ્યાએ ટોર્ચ દ્વારા તેને પણ રોકી હતી. તે પોલીસ ટીમમાં બે બંદૂકધારી પોલીસ હતી. મારી પૌત્રીએ તેમને વિનંતી કરી કે પોતે સગીર છે અને દારૂ જેવી કોઈ વસ્તુ નથી લઈને જઈ રહી, પરંતુ તેઓએ તેનો પાસપોર્ટ પણ લઈ લીધો અને તેના સામાનની તપાસ કરી. જોકે તેમને કંઈ મળ્યું નહીં, જેથી જેમ તેમ કરીને આગળ જવાની મંજૂરી આપી હતી.

પોતાના પત્રમાં તેમણે સરકાર અને પોલીસ તંત્રને એક જ સવાલ કર્યો છે કે “પોલીસને અમારી સાથે આવું વર્તન કરવાનો અને પૈસા પડાવવાનો શું અધિકાર છે?” પટેલે આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને પત્ર લખીને જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Source link