IPL Qualifier 2, RCB Vs RR: 3km જેટલું ચાલીને દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પહોંચ્યા!

 

અમદાવાદઃ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium Ahmedabad)માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore – RCB) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals – RR) વચ્ચે આઈપીએલ (IPL 2022)ની ક્વાલિફાયર 2 (Qualifier 2) મેચ છે. આ મેચ માટે સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ગયું છે. ટિકિટો ઓનલાઈન વેચાવાનું શરુ થયા પછી ગણતરીના કલાકોમાં લગભગ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. હવે જ્યારે આજે દર્શકો મેચ જોવા માટે પહોંચ્યા ત્યારે તેમણે કેટલાક નિયમોનું પાલન કરવું પડ્યું હતું. જેમાં દર્શકોએ ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે ત્રણ કિલોમીટર જેટલું ચાલવું પડ્યું હતું. મહત્વની મેચ હોવાથી દર્શકોએ સવારથી ગ્રાઉન્ડની બહાર એકઠા થઈ ગયા હતા અને એન્ટ્રી મળે તેની રાહ જોઈને બેઠા હતા.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાઈ રહેલી RCB Vs RRની મેચ જોવા માટે જાણે કીડિયારું ઉભરાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. દર્શકો અહીં પોસ્ટર્સની સાથે અવનવા કપડામાં સજીધજીને મેદાન પર પહોંચ્યા હતા. પોતાની ટીમને સપોર્ટ કરવા માટે દર્શકો ટીમના ઝંડા અને ટી-શર્ટ પહેરીને પહોંચ્યા હતા.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું મેદાન હોવાથી અહીં વ્યવસ્થાઓ પણ મોટી કરવામાં આવી છે. આ માટે સ્પેશિયલ પાર્કિંગની વ્યવસ્થાથી લઈને દર્શકોને મેચ પૂર્ણ થયા પછી હાલાકી ના ભોગવવી પડે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સિવાય દર્શકોને મેદાન પર પહોંચવા માટે ઘણાં કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.

પાછલી મેચમાં RCBના રજત પાટીદારે LSG સામે શાનદાર બેટિંગ કરીને સેન્ચ્યુરી ફટકારી હતી ત્યારે એવો જ નજારો આજે જોવા મળે તેવી ઈચ્છા સાથે દર્શકો મેદાનમાં આવ્યા છે.

મહત્વનું છે કે હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ છે, અને હવે આજે RCB અને RRમાંથી જે મેચ વિજેતા બનશે તે ગુજરાત સામે ટકરાશે. આજની ક્વાલિફાયર 2 સાથે IPLની ફાઈનલ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સહિત બોલિવૂડ અને ક્રિકેટ સાથે જોડાયેલી હસ્તીઓ ઉપસ્થિત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન મોદી આવશે?

આ સિવાય ગુજરાતની ટીમ પહેલી સિઝન રમીને ફાઈનલમાં પહોંચી છે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના નામથી બનેલા મેદાનમાં મેચ જોવા માટે હાજર રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આમ થયું તો આજની સરખામણીમાં મેદાનમાં મેચ જોવા માટે આવતા દર્શકોની વધારે તપાસ કર્યા પછી જ મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે. આ સિવાય NSGની ટીમ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ કેટલાક સૂચનો શહેરની પોલીસ, GCI તથા મેદાનના સંચાલકોને સૂચનો કરી શકે છે.

Source link