IPL 2022: રવીન્દ્ર જાડેજાએ સુકાનીપદ છોડ્યું, ફરીથી CSKનો કેપ્ટન બન્યો મહેન્દ્રસિંહ ધોની!

IPL 2022: ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન રવીન્દ્ર જાડેજાએ સુકાનીપદ છોડવાની જાહેરાત કરી છે, અને હવે ફરીથી ચેન્નઈનું સુકાનીપદ મહેન્દ્રસિંહ ધોનીના હાથોમાં આવી ગયું છે. આઈપીએલની 15મી સિઝન શરૂ થાય તે પહેલાં જ મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સનું સુકાનીપદ રવીન્દ્ર જાડેજાને સોંપી દેવાનો નિર્ણય કર્યો હતો. જો કે, રવીન્દ્ર જાડેજાના સુકાનીપદ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સનું ખુબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. સિઝનની આઠ મેચોમાંથી ચેન્નઈની ટીમ માત્ર 2 મેચોમાં જ જીત મેળવી શકી હતી, જ્યારે 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે પોઈન્ટ ટેબલ પર ચેન્નઈની ટીમ 9મા સ્થાને છે.

ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા ટ્વીટ કરીને આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, જાડેજાએ સીએસકેનું સુકાનીપદ ફરીથી એમ.એમ.ધોનીને સોંપી દીધું છે. જાડેજા પોતાની રમતમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો અને તેણે સીએસકેને લીડ કરવા માટે ધોનીને વિનંતી કરી હતી. જાડેજાને ગેમ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને બહોળા હિતમાં ધ્યાને રાખીને ધોનીએ સીએસકેને લીડ કરવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

ધોનીએ સુકાનીપદ જાડેજાને સોંપી દીધા બાદ જાડેજા આ જવાબદારીમાં ખરો ઉતરી શક્યો ન હતો. સુકાનીપદના દબાણની અસર જાડેજાના પ્રદર્શન ઉપર પણ પડી હતી. આઠ મેચોમાં જાડેજાએ માત્ર 112 રન બનાવ્યા હતા, જ્યારે પાંચ વિકેટ ઝડપી હતી. રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈની ટીમની ટક્કર થશે અને હવે ફરીથી સુકાનીપદ ધોનીના હાથમાં સોંપાતા આવતીકાલની મેચ રસપ્રદ બનશે.

મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી સફળ કેપ્ટન છે. તેણે 2010, 2011, 2018 અને 2021માં ચેન્નઈ માટે ચાર વખત ટ્રોફી જીતી છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમે 121 મેચ જીતી છે. આ સિઝનમાં સુકાનીપદ છોડ્યા બાદ ધોની ખુબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે આઈપીએલમાં ગુજરાતના બે ક્રિકેટરોને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. જેમાં જાડેજા સીએસકેનો કેપ્ટન બન્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા ગુજરાતનો કેપ્ટન બન્યો હતો. સુકાનીપદની જવાબદારીમાં હાર્દિક પંડ્યા અત્યાર સુધી સફળ રહ્યો છે. સુનીલ ગાવસ્કરથી લઈને તમામ દિગ્ગજો હાર્દિક પંડ્યાના વખાણ કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ રવીન્દ્ર જાડેજા સુકાનીપદના ભાર હેઠળ દબાઈ ગયો હતો અને અંતે તેણે સુકાનીપદ છોડવાનો નિર્ણય કરવો પડ્યો હતો. ચર્ચા એવી પણ છે કે, ચેન્નઈના ટીમ મેનેજમેન્ટે જાડેજા પાસેથી સુકાનીપદ છીનવી ધોનીને પરત સોંપી દીધું છે.

Source link