IPL 2022: નવા અવતારમાં જોવા મળશે સુરેશ રૈના, હરાજીમાં નહોતા મળ્યા ખરીદદાર!

 

મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina)ને IPLની હરાજીમાં કોઈ ખરીદદાર મળ્યા નહોતા. મિસ્ટર IPLના નામથી પ્રખ્યાત સુરેશ રૈના છેલ્લી સિઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો ભાગ રહ્યો હતો. હરાજી પહેલા ફ્રેન્ચાઈઝીએ તેને રિટેન કર્યો નહોતો. એ પછી હરાજીમાં કોઈ ટીમે તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી નહીં. હરાજીમાં અનસોલ્ડ રહ્યા બાદ હવે સુરેશ રૈના નવી ભૂમિકામાં જોવા મળશે.

35 વર્ષીય સુરેશ રૈના લીગની નવી સિઝન (IPL 2022)માં કોમેન્ટેટરની ભૂમિકામાં જોવા મળશે. પ્રાપ્ત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ કોમેન્ટ્રી બોક્સમાં વાપસી કરશે. જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રી (Ravi Shastri) ગયા વર્ષ સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ હતા. નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ બાદ તેઓનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. રવિ શાસ્ત્રીએ ફરીથી આ પદ માટે આવેદન કર્યુ નહોતું.

IPL સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સુરેશ કૈના આ વખતે IPLમાં નહીં રમે, પરંતુ અમે તેને કોઈને કોઈ રીતે જોડવા માગીએ છીએ. તેને મિસ્ટર આઈપીએલ કહેવામાં આવે છે. તે એક સમયે IPLમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન હતો. તેના કરોડો પ્રશંસક છે. IPLની 205 મેચમાં સુરેશ રૈનાના નામે 5528 રન છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય ગુજરાત લાયન્સની ટીમનો પણ ભાગ રહ્યો હતો.

રવિ શાસ્ત્રી ચેમ્પિયન ટ્રોફી 2017માં છેલ્લી વાર કોમેન્ટ્રી કરતા નજરે પડ્યા હતા. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા રવિ શાસ્ત્રી કોચ બન્યા એ પહેલાં કોમેન્ટ્રીની ભૂમિકાાં જ નજરે પડતા આવ્યા હતા. તે 2011માં વર્લ્ડ કપ અને 2007 ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની વિનિંગ મૂવમેન્ટ સમયે કોમેન્ટ્રી કરી રહ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો રવિ શાસ્ત્રી ઈંગ્લિશ નહીં પણ હિન્દીમાં કોમેન્ટ્રી કરશે.

Source link