IPL 2022ની મહત્વની વાતો: ધોની નહીં બને કેપ્ટન, આ વખતે મેચ 60થી વધીને 74 થઈ

 

IPLની 15મી સિઝન IPL 2022 ખૂબ ખાસ રહેશે. કારણકે આ વખતે IPLમાં ટીમની સંખ્યા 8થી વધીને 10 થશે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પહેલી વખત ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે જોવા નહીં મળે. વિરાટ કોહલી પણ આરસીબીની કમાન નહીં સંભાળે. કોરોનાના કેસો ઘટતા 2019 બાદ પહેલી વખત ફેન્સ સ્ટેડિયમમાં જઈને મેચનો આનંદ માણશે.

આ વખતે IPLમાં 2 નવી ટીમ ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ જોડાતા કુલ મેચોની સંખ્યા પણ 60થી વધીને 74 થઈ ગઈ છે. માટે આ વખતે IPLની ટૂર્નામેન્ટ 2 મહિનાથી પણ વધારે સમય સુધી ચાલશે. IPLની તમામ મેચો આ વખતે ભારતમાં રમાશે અને સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા દર્શકો સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ શકશે. IPLમાં પિચ ક્યુરેટર માટે 2 મહિના સુધી પિચને જીવંત રાખવી પણ પડકાર હશે પરંતુ, ટૂર્નામેન્ટમાં મોટો સ્કોર થાય તેવી પૂરી સંભાવના છે. જ્યારે બીજી બાજુ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે ત્યારે IPL કેટલાંક ભારતીય પ્લેયર્સનું નસીબ પણ નક્કી કરશે.

આ વખતે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘર આંગણે રમશે પણ તેનો કેપ્ટન રોહિત શર્મા સ્પષ્ટ કરી ચૂક્યો છે કે તેનો કોઈ વિશેષ લાભ નહીં મળે. સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, જસપ્રીત બુમરાહ અને ઈશાન કિશન જેવા પ્લેયર્સ અનુકૂળ પરિસ્થિતિઓનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માગશે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં પણ તમામની નજર વિરાટ કોહલી પર રહેશે કે જેણે કેપ્ટનશિપ છોડી છે. આ વખતે શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલના નેતૃત્વ કૌશલની પરીક્ષા પણ થશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2022ની સિઝન અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સે ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ સુકાની પદ છોડી દીધા બાદ ચાર વખતની ચેમ્પિયન ટીમે જાડેજાને સુકાની પદની જવાબદારી સોંપી છે. હવે જાડેજા પાસે વિશ્વની આ લોકપ્રિય ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને આગળ લઈ જવાની મોટી જવાબદારી છે. 2008માં આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી ધોની ચેન્નઈનો સુકાની રહ્યો છે. તેના નેતૃત્વમાં ચેન્નઈએ ચાર આઈપીએલ ટાઈટલ અને બે ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે.

26 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેના મુકાબલા સાથે જ આઈપીએલ-2022નો પ્રારંભ થશે. અગાઉ ધોનીએ 12 સિઝનમાં ચેન્નઈની આગેવાની કરી છે જેમાં તેણે ચાર વખત ટીમને ચેમ્પિયન બનાવી છે. આઈપીએલમાં તેણે 204 મેચમાં ચેન્નઈની આગેવાની કરી છે. જેમાંથી 121 મેચમાં ટીમનો વિજય થયો છે અને 82 મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલમાં તેની ટકાવારી 59.6 ટકાની છે. તેના નેતૃત્વમાં ચેન્નઈએ ચાર આઈપીએલ ટાઈટલ જીત્યા છે અને બે ચેમ્પિયન્સ લીગ ટાઈટલ પણ જીત્યા છે. આ ઉપરાંત ટીમ નવ વખત આઈપીએલની ફાઈનલમાં પહોંચી છે.

Source link