કરોડો લોકો મંદીની અસર અનુભવશે
IMF પ્રમુખ ક્રિસ્ટલિના જોર્જીવાએ જણાવ્યું હતું કે, વિશ્વની ત્રણેય મોટી અર્થવ્યવસ્થાઓ પછી ભલે તે અમેરિકા હોય કે યુરોપિયન દેશો કે ચીન. બધા એકસાથે ધીમી પડી રહ્યા છે. તેની અસર ખૂબ જ ઊંડી હશે. ચિંતાનો વિષય છે કે, જે દેશો મંદીની ઝપેટમાં નથી, ત્યાં પણ કરોડો લોકો તેની અસર અનુભવશે.
આ મુખ્ય કારણ છે, જે પરિસ્થિતિને વધુ મુશ્કેલ કરશે
- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ સમગ્ર વિશ્વ માટે વધુ સમસ્યાઓ સર્જી રહ્યું છે
- ફુગાવાને અંકુશમાં લેવા માટે, સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકોએ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કર્યો છે
- ચીને તેની ઝીરો કોવિડ પોલિસી ખતમ કરી દીધી છે, પરંતુ કોરોના હજૂ કાબૂમાં નથી આવ્યો
- શી જિનપિંગે અર્થવ્યવસ્થાને ખોલવાનું શરૂ કર્યું છે
- ચીનના આ પગલાને કારણે સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે
21 વર્ષમાં સૌથી નીચે રહી વૃદ્ધિની આગાહી
મોનેટરી ફંડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2021માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર 6 ટકા હતો. 2022માં તે 3.2 ટકા અને 2023માં 2.7 ટકા રહેવાનો અંદાજ છે.
વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોરોના મહામારીને બાદ કરતાં 2001 બાદ 21 વર્ષમાં આ સૌથી નીચો વૃદ્ધિનો અંદાજ છે.
ગત વર્ષે ઓકટોબરમાં વિશ્વ સંસ્થાએ 2023 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કર્યો હતો.
ચીનનું પ્રદર્શન સૌથી ખરાબ રહેશે
ક્રિસ્ટલિના જોર્જીવાએ જણાવ્યું હતું કે, 2023ની શરૂઆત વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન માટે સૌથી ખરાબ હશે. ત્યાંની ફેક્ટરીઓમાં પણ કોરોનાએ દસ્તક આપી છે. તેનાથી દેશના ઉત્પાદન પર ખરાબ અસર પડી છે.
ચીનની અર્થવ્યવસ્થાને અસર થશે, જેની પ્રાદેશિક અને વૈશ્વિક વૃદ્ધિ પર નકારાત્મક અસર પડે તેવી શક્યતા છે.
- તાજેતરના ડેટા અનુસાર, 2022 ના અંતમાં ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે
- ડિસેમ્બર માટે PMI (પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) સતત ત્રીજા મહિને ઘટ્યો હતો
- ડિસેમ્બરમાં સતત છઠ્ઠા મહિને ત્યાંના 100 શહેરોમાં મકાનોની કિંમતોમાં ઘટાડો થયો છે
અંધારામાં પ્રકાશ બની રહેશે ભારત
ક્રિસ્ટલિના જોર્જીવાએ ભારત વિશે સીધી રીતે કોઈ ભવિષ્યવાણી કરી નથી. જોકે, ઓકટોબરમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત 2023માં સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડી દેશે.
ભારત આ ‘અંધારામાં પ્રકાશ’ બની રહેશે. કારણ કે, તે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. આ ઉપરાંત ભારત માળખાકીય સુધારામાં આગળ છે. આ સાથે ડિજિટાઈઝેશનમાં અદભૂત સફળતા મેળવી છે.