4 રાજ્યોમાં જીત બાદ PM મોદીની સ્પેશિયલ મીટિંગ, આવનારા 25 વર્ષની જીતનો ફોર્મ્યુલા નક્કી!

 

નવી દિલ્હી: હાલમાં જ દેશમાં યોજાયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી 4 રાજ્યોમાં જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના ઉચ્ચ નેતાઓએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં મંત્રીમંડળને અંતિમ રૂપ આપવા માટે ઘણી બેઠકો કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે જાતિ અને ક્ષેત્રીય ગણતરી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, ઓબીસીનું યોગ્ય પ્રતિનિધિત્વ અને યુવાનો, મહિલાઓ તેમજ શૈક્ષણિક યોગ્યતા પર ભાર આપ્યું છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નેતાઓને આગામી 25 વર્ષ સુધી દેશમાં સરકાર બનેલી રહે તેનો પ્લાન બનાવવા જણાવ્યું છે. પીએમ મોદીએ કથિતરીતે પોતાના લોકોને સલાહ આપતા કહ્યું કે ભાજપા અને દેશના નેતૃત્વને સુનિશ્ચિત કરવા માટે યુવાનોનું વિશેષ મહત્વ છે.

હાઈકમાન્ડે પોતાના સાંસદોને આદેશ આપ્યો કે જ્યાં પાર્ટીએ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું નથી તે વિશેની માહિતી મેળવો. કયા કારણસર મત ઓછા મળ્યા અને હવે તેનું સમાધાન શું હશે તે પણ જાણો. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથને 20 નવા મંત્રી મળી શકે છે. ઉપમુખ્યમંત્રી કેશવ મૌર્ય સહિત 11 મંત્રી ચૂંટણી હારી ગયા છે અને 4 દળ બદલી ગયા હોવાથી 15 પદ ખાલી પડ્યા છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે ખરાબ પ્રદર્શનના કારણે કેટલાંક મંત્રીઓને બરખાસ્ત કરવાની પણ સંભાવના છે.

4 રાજ્યોમાં ભાજપની વાપસી

ભાજપે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં 4 રાજ્યોમાં વાપસી કરી છે. જો કે યુપી અને ઉત્તરાખંડમાં સીટોના મામલે ભાજપને નુકસાન થયું છે. પરંતુ યુપીમાં જે જોરદાર ટક્કરની વાત કરવામાં આવી રહી હતી તે કદાચ જોવા મળી નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટી રાહત મળી છે. રાજ્યમાં ભાજપ સતત બીજી વખત સત્તા પર આવી રહ્યું છે. યોગી આદિત્યનાથની કડક છબી, ગુનેગારો સામે કાર્યવાહી, મહિલા સુરક્ષા અને ગરીબોને રાશન યોજનાનો લાભ મળ્યો. જો કે 2017ની ચૂંટણીની સરખામણીમાં ભાજપને સીટોના મામલે ઘણું નુકસાન થયું છે. ગત ચૂંટણીમાં ભાજપને 312 બેઠકો મળી હતી. જોકે આ વખતે સીટો ઘણી ઓછી છે.

Source link