2023 સુધીમાં Women’s IPL શરૂ કરી શકે છે BCCI, આ વર્ષે ચાર મેચ રમાશે

 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) 2023 સુધીમાં મહિલાઓની આઈપીએલ શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે જણાવ્યું હતું કે એક વર્ષના અંતરાલ બાદ આ વર્ષે આઈપીએલની સિઝનમાં મહિલાઓની ચાર એક્ઝિબિશન મેચ રમાશે. નોંધનીય છે કે વિમેન્સ આઈપીએલ શરૂ ન કરવા બદલ છેલ્લા ઘણા સમયથી બીસીસીઆઈની ટીકાઓ થઈ રહી છે. આગામી સિઝનમાં આ ટુર્નામેન્ટ શરૂ કરવા માટે બોર્ડને એજીએમની મંજૂરીની જરૂર છે. બોર્ડ વિમેન્સ આઈપીએલની શરૂઆતમાં પાંચ કે છ ટીમો હોય તેવું આયોજન કરી રહ્યું છે.

શુક્રવારે મુંબઈમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ સૌરવ ગાંગુલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમે આગામી વર્ષે ફૂલ ફ્લેજમાં વિમેન્સ આઈપીએલની શરૂઆત કરવાનું આયોજન કરી રહ્યા છીએ. ગાંગુલીએ જણાવ્યું હતું કે વિમેન્સ આઈપીએલ 2023માં રમાઈ શકે છે. આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે મેન્સ આઈપીએલ પ્લેઓફની આસપાસ ત્રણ ટીમો વચ્ચે ચાર એક્ઝિબિશન મેચ રમાશે.

કોરોનાના કારણે ગત વર્ષે આઈપીએલના બીજા તબક્કાની મેચો યુએઈમાં રમાડવામાં આવી હતી ત્યારે વિમેન્સ ટીમોની એક્ઝિબિશન મેચનું આયોજન થઈ શક્યું ન હતું. જોકે, તેના આગલા વર્ષે 2020ની સિઝન યુએઈમાં રમાઈ હતી ત્યારે વિમેન્સ ટીમોની એક્ઝિબિશન મેચ રમાઈ હતી જેમાં ટ્રેઈલબ્લેઝર્સે ટાઈટલ જીત્યું હતું. બ્રિજેશ પટેલના જણાવ્યા પ્રમાણે વિમેન્સ આઈપીએલમાં પાંચ કે છ ટીમો હોઈ શકે છે પરંતુ તે માટે જનરલ બોડીની મંજૂરીની જરૂર પડશે. મહિલાઓની એક્ઝિબિશન મેચ પૂણેમાં રમાય તેવી શક્યતા છે.

નોંધનીય છે કે 26 માર્ચ શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચથી આઈપીએલ-2022નો પ્રારંભ થશે. આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગત વર્ષે ચેન્નઈએ પોતાનું ચોથું આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. આ સાથે તે મુંબઈ ઈન્ડિયન્સ બાદ સૌથી વધુ ટાઈટલ જીતનારી ટીમ બની હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પાંચ વખત ટાઈટલ જીત્યું છે. 2021ની ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાડઈર્સને પરાજય આપ્યો હતો.

Source link