125 કરોડના ખર્ચે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પર તૈયાર નડાબેટ સીમા દર્શનનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન!

અમદાવાદ, બનાસકાંઠાઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા છે. આવામાં તેમણે ગુજરાતના સૌથી પહેલા સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ધાટન કર્યું છે. રાજ્યના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે બીએસએફ અને R&Bની મદદથી 125 કરોડના ખર્ચે વિશાળ પ્રવાસન સ્થળ ઉભું કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સ્થળ વિકસાવવામાં આવ્યું છે કે જેથી હવે અહીં વાઘા અને અટારી બોર્ડરની જેમ સરહદ પર તૈનાત બીએસએફ જવાનના શૌર્યને નિહાળી શકાશે. આજે આ નવાડબેડ સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે અહીં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા છે. આ પોઈન્ટ પર પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વિવિધ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પોઈન્ટને ઉભો કરવા માટે પાછલા ચાર વર્ષથી કામગીરી કરવામાં આવી રહી હતી. જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નડાબેટનું સપનું જોયું હતું.

રાજ્યના બનાસકાંઠાના સુઈ ગામમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાતની બોર્ડર પર જવાનોનો રૂંવાડા ઉભા કરી દે તેવો જુસ્સો જાહેર જનતાને નિહાળવાનો મોકો મળશે અને બોર્ડરની નજીક જવાની પણ એક અનુભુતિ કરવા મળશે.

ગૃહમંત્રી અમિત શાહ નડાબેટ સીમા દર્શન પોઈન્ટ માટે પહોંચ્યા તે પહેલા તેઓ નડેશ્વરી માતાના દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નડેશ્વરી માતાના દર્શન કર્યા બાદ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ સીમા દર્શન પોઈન્ટના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.

આ સ્થળ પર રોજ સાંજે બીએસએફ દ્વારા પરેડ કરવામાં આવશે જ્યાં જવાનોના શૌર્યને પ્રવાસીઓ માણી શકશે. બોર્ડર પર બીએસએફ કઈ રીતે કામગીરી કરે છે તે પણ પ્રવાસીઓ અહીં આવીને જાણી શકશે. અહીં મ્યુઝિયમ સહિતની પ્રવાસીઓને આકર્ષવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓને જમવાનું મળી રહે તે સહિતની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે આ પોઈન્ટને ચલાવવા માટે એક એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે.

Source link