હોળી પહેલા સોનાના ભાવમાં કડાકો, Gold ખરીદવાનો ગોલ્ડન ચાંસ, જાણો કેટલુ થયુ સસ્તુ!

અમદાવાદઃ રશિયા અને યુક્રેન યુદ્ધની વિશ્વના ક્રૂડ, શેર બજાર અને સોના-ચાંદી સહિત તમામ બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. યુદ્ધના શરુઆતના દિવસોમાં કોમોડિટીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. જો કે, હવે તેમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. સોનાની કિંમતમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ સોનુ 52 હજાર રુપિયાની નીચે આવી ગયુ છે. જ્યારે ચાંદીની કિંમત 68 હજાર રૂપિયાથી નીચે આવી ગઈ છે.

gold

રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશને જણાવ્યુ કે યુદ્ધથી સર્જાયેલી કૃત્રિમ તેજીના કારણે સોનામાં વળતા પાણી થયા અને સોનાના ભાવમાં સપ્તાહમાં 2000 રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે મંદીમાં રાહતની આશા જાગી છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 51,660 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 47,360 રૂપિયા રહ્યો. 24 ફેબ્રુઆરીએ સોનાના ભાવ ટોચ પર પહોંચ્યા પછી 8 માર્ચ સુધી ટોચ પર જ રહ્યા પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવ પણ કિલોના 72 હજારથી ઘટીને 68 હજારે પહોંચી ગયા છે.

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. એક વેપારીએ જણાવ્યુ કે યુદ્ધના કારણે સોના-ચાંદીમાં 3 હજાર જેવો વધારો આવી ગયો હતો અને બીજી તરફ બજારમાં સતત અસ્થિરતા હતી. રોજ સવારથી સાંજ સુધી ભાવમાં વધઘટ થતી હતી. જેના કારણે સોની બજારનો 70 ટકા ધંધો ભાંગી પડ્યો હતો પરંતુ 18 માર્ચે હોળાષ્ટક પૂરા થઈ રહ્યા છે અને હવે ભાવમાં ઘટાડો આવતા ઘરાકી નીકળે તેવી આશા વેપારીઓમાં જાગી છે.

Source link