હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા 11 ભૂંજાયા, એક જ કામદાર જીવ બચાવી શક્યો

 

હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના બની છે. ગોડાઉનમાં અચાનક લાગેલી વિકરાળ આગમાં 11 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. આ ઘટના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં વહેલી સવારે બની હતી. આ ઘટનામાં એક કામદાર ગોડાઉનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, ગાંધીનગર વિસ્તારમાં આવેલા ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે આગની ઘટના બની હતી. આગનો બનાવ બન્યો 12 કામદારો શાદવન ટ્રેડર્સના સ્ક્રેપ કલેક્શન સેન્ટરમાં પહેલા માળે ઊંઘી ગયા હતા. જ્યારે આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી.

વધુમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે, આગની ઘટના દરમિયાન કામદારો માટે બહાર નીકળવાની એક માત્ર જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું શટર હતું પરંતુ ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. વહેલી સવારે 3 વાગ્યે ફાયર વિભાગને એલર્ટ મળ્યું હતું, જે બાદ 9 ફાયર ટેન્ડર્સ આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ ત્રણ કલાકે આગની જ્વાળાઓને શાંત પાડી શકાઈ હતી.

આગની વિકરાળ ઘટનામાં માત્ર એક જ કામદાર બહાર આવવામાં સફળ થયો હતો અને તે હાલ સારવાર હેઠળ છે.

ફાયર ઓફિસરે ઘટના અંગે વાત કરતા જણાવ્યું કે, ભંગારની દુકાનમાં દારુની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક, વાયર વગેરે વસ્તુઓ હતી. પહેલો માળ સીધો ગ્રાઉન્ડ ફ્લોર સાથે લોખંડની સીડીઓથી જોડાયેલો છે. પહેલા માળે બે રૂમ આવેલા છે અને તેમાંથી એક રૂમમાંથી 11 કામદારોની લાશ મળી આવી છે. મૃતદેહ આગમાં બળી ગયા હોવાથી ઓળખવા મુશ્કેલ હતા.

પોલીસે આ ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના કામદારો પ્રવાસી મજૂર હોવાનું જણાવ્યું છે, મૃતદેહોને વધારે તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

તેલંગાણા સરકારે આ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારોના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના કામદારો બિહારના છે.

હૈદરાબાદમાં ગોડાઉનમાં લાગેલી આગમાં 11નાં મોત

Source link