હેર ટ્રાન્સપ્લાન્ટના 24 કલાક પછી પોલીસકર્મીનું મોત, 11 મેએ થવાના હતા લગ્ન

 

પટણા: બિહાર (Bihar)ના પાટનગર પટણા (Patna)માં એક પોલીસ જવાનનું મોત થઈ ગયું. આ પોલીસકર્મીએ 24 કલાક પહેલા હેર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) કરાવ્યું હતું. હેર ટ્રાન્સપ્લાન્ટ પછી જવાન પોતાના ક્વાર્ટર પર ગયો હતો. રાત્રે તેની તબિયત બગડવા લાગી હતી. તેના માથામાં દુઃખાવો શરૂ થયો અને છાતીમાં બળતરા થવા લાગી. જવાનની હાલત બગડતી જોઈ તેના સાથી તેને હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર લઈ ગયા, જ્યાંથી તેને સારવાર માટે બીજી હોસ્પિટલમાં રિફર કરી દેવાયો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

મળેલી જાણકારી મુજબ, બિહાર સ્પેશયલ આર્મ્ડ પોલીસ (BSAP)માં તૈનાત જવાન મનોરજન પાસવાનના માથે ટાલ પડી ગઈ હતી. 11 મેએ તેના લગ્ન થવાના હતા. જેથી તેણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. મનોરંજન પાસવાને પટનાના બોરિંગ રોડ પર આવેલા હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્ક્રિન કેર સેન્ટરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે સંપર્ક કર્યો હતો. ગત 9 માર્ચે મનોરંજન પાસવાનનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી મનોરંજન પાસવાન પોતાના ક્વાર્ટરમાં આવી ગયો હતો. રાત્રે તે જમીને સૂવા માટે ગયો તે પછી તેના માથામાં ભારે દુખાવો થવા લાગ્યો. તેણે પોતાના સાથીઓને જાણકારી આપી તો એ લોકો તેને હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરએ મનોરંજન પાસવાનની તપાસ કરી અને રૂબન મેમોરિયલ હોસ્પિટલ રિફર કરી દીધો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

રૂબન મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર એકે સિંહે જણાવ્યું કે, જવાનને ગંભીર હાલતમાં લવાયો હતો. ત્યાં પ્લાસ્ટિક સર્જન, કાર્ડિયાક સર્જન, ઈન્ટરનલ મેડિસિન અને આઈસીયુના બધા તજજ્ઞોએ સારવાર શરૂ કરી, જોકે, થોડીવારમાં જ કાર્ડિયાક અરેસ્ટ થવાથી તેનું મોત થઈ ગયું.

પાટલીપુત્ર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ માટે કઈ-કઈ દવાઓ આપવામાં આવી હતી? શું રિએક્શન થયું? તે સહિતની બાબતોની વિસેરાનો રિપોર્ટ આવ્યા પછી જ જાણ થઈ શકશે.

Source link