હરભજનસિંઘ જશે રાજ્યસભા : આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પાંચ નામો જાહેર કર્યા

પોલિટિક્સ ડેસ્ક: પંજાબ વિધાનસભા ચૂંટણીમાં (Punjab Assembly election 2022) ભવ્ય જીત થયા બાદ હવે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) રાજ્યસભા ચૂંટણી (Rajyasabha election) માટેની તૈયારી શરૂ કરી છે. પંજાબના રાજ્યસભાના સાત સભ્યોમાંથી પાંચનો કાર્યકાળ નવમી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જે માટે આમ આદમી પાર્ટીએ હવે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટી ક્રિકેટર હરભજનસિંઘને (Harbhajan Singh) રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. આ પહેલાં પણ એવા અહેવાલો વહેતા થયા હતા કે હરભજનસિંઘ આપ તરફથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. આખરે પાર્ટીએ આ મામલે અધિકારીક ઘોષણા કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. આ ઉપરાંત પણ અન્ય ચાર ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યાં છે.

દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા પણ રાજ્યસભામાં જશે

હરભજનસિંઘ ઉપરાંત આમ આદમી પાર્ટીના પંજાબના પ્રભારી અને દિલ્હીની રાજેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે. પંજાબ ચૂંટણી વખતે રાઘવ ચઢ્ઢા પાર્ટીના પ્રભારી હતા. ચૂંટણીમાં જીત બાદ પાર્ટીએ તેમણે શિરપાવ આપ્યો છે. જોકે, રાજ્યસભામાં જીત મેળવે તો તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડશે. તેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પણ છે.a

અશોક મિત્તલ, સંદીપ પાઠકનાં નામોની પસંદગી

આ ઉપરાંત, ત્રીજા ઉમેદવાર તરીકે લવલી યુનિવર્સીટીના ચાન્સેલર અશોક કુમાર મિત્તલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ લવલી પ્રોફેશનલ યુનિવર્સીટીના ફાઉન્ડર પણ છે. શિક્ષણ ક્ષેત્રે તેમની કામગીરી બદલ તેઓ જાણીતા છે. આ ઉપરાંત સંદીપ પાઠક અને સંજીવ અરોરાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ડોક્ટર સંદીપ પાઠક આઈઆઈટી દિલ્હીમાં ભૌતિક શાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટી તરફથી કામ કર્યું હતું. તેઓ મૂળ છત્તીસગઢના વતની છે.

પંજાબ ચૂંટણીમાં 117 માંથી 92 બેઠકો પર ‘આપ’નો વિજય

ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એકતરફી જીત મેળવી હતી. કુલ 117 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી 92 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. કોંગ્રેસને માત્ર 18 બેઠકો મળી શકી હતી, જ્યારે ભાજપને 2 તેમજ શિરોમણી અકાલી દળને 3 બેઠકો મળી હતી.
હાલ પંજાબ વિધાનસભામાં આમ આદમી પાર્ટી પાસે જેટલી બેઠકો છે તેને જોતા તમામ પાંચ ઉમેદવારોની જીત થશે તેવી શક્યતા છે.

Source link