સ્ટુડન્ટ વિઝાના નામે વિદેશ મોકલવાની લાલચ આપી ખેડૂતના દીકરાને દોઢ માસ સુધી ગોવામાં ગોંધી રાખ્યો!

 

કડીઃ નંદાસણમાં રહેતા એક ખેડૂતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં (Nandasan Crime) ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્રને સ્ટુડન્ટ વિઝા આપવાનું કહી અમેરિકા મોકલવાની લાલચ આપીને ગોવા લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો. મૂળ કડી તાલુકાના નંદાસણમાં રહેતા પટેલ હિતેશકુમાર ગણેશભાઈએ તેમના દીકરા દર્શીલને રુપિયા 60 લાખમાં અમેરિકા વાયા કેનેડા મોકલવાનો સોદો કર્યો હતો. એ પછી તેમની પાસેથી રુપિયા 31.50 લાખ લઈને દીકરાને ગોવામાં (Crime news) દોઢ મહિના સુધી ગોંધી રાખ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નંદાસણના લક્ષ્મીપુરા ગામમાં રહેતાં પટેલ હિતેશકુમાર ગણેશભાઈએ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા નંદાસણની લક્ષ્મી એગ્રો ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હતા ત્યારે ઈન્ડસ્ટ્રીના પટેલ મફતલાલના દીકરા રવિન્દ્રકુમાર સાથે સંપર્ક થયો હતો. એ વખતે પટેલ રવિન્દ્રકુમારે તેમને જણાવ્યું હતું કે, કોઈને સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જવું હોય તો કહેજો. અમદાવાદના ગૌરવ બંગલોઝમાં રહેતો તેમનો મિત્ર પટેલ જીનલ રાજેન્દ્રકુમાર સોલા હાઈકોર્ટ સામે આવેલા ગણેશ મેરેડિયનમાં જે.પી. કન્સલ્ટન્ટની ઓફિસ ધરાવે છે. તેની સાથે મળીને તે પણ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા મોકવાનું કામ કરે છે.

એટલે પટેલ હિતેશકુમારે તેમના દીકરા દર્શીલને અમેરિકા મોકલવા માટે તેમની સાથે રુપિયા 65 લાખમાં સોદો કર્યો હતો. તેમનો દીકરો કેનેડા પહોંચે એટલે 50 ટકા રકમ ચૂકવવાનું નક્કી થયું હતું. એ પછી રવિન્દ્રકુમાર અને જીનલ પટેલે દર્શીલના ડોક્યુમેન્ટ લઈને ફાઈલ તૈયાર કરવાનું કહી 22-09-2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી દર્શીલને દિલ્હી લઈ ગઈ ગયા. ત્યાં કામ થયુ ન હોવાનું કહી બીજા દિવસે પરત ફર્યા હતા.

એ પછી 5-10-2020ના રોજ તેમને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, સ્ટુડન્ટ વિઝા માટે ગોવાથી જવાનું છે. એ બાદ દર્શીલને અમદાવાદની ઓફિસે બોલાવ્યો હતો અને પછી ગોવા લઈ ગયા હતા. ગોવા પહોંચ્યા બાદ પણજીના જંગલ વિસ્તારમાં આવેલાં બે માળના ફ્લેટમાં લઈ જઈ દર્શીલને માર મારીને ત્યાં ગોંધી રાખ્યો હતો. બાદમાં દર્શીલને ચપ્પુ બતાવીને તેના ઘરે એવું કહેવડાવ્યું કે તે કેનેડા પહોંચી ગયો છે. આવું કહીને કલોલના એજન્ટ રવિન્દ્ર પટેલ મારફતે લક્ષ્મીપુરા ખાતે ખેડૂતના ઘરેથી રુપિયા 30 લાખ તથા અમદાવાદના એજન્ટના ખાતામાં રુપિયા એક લાખ જમા કરાવ્યા હતા.

ગોવાના ફ્લેટમાં દર્શીલની સાથે અન્ય પાંચ લોકોને પણ ગોંધી રાખવામાં આવ્યા હતા. તારીખ 3-11-2020ના રોજ ગોંધી રખાયેલા પટેલ વિજયભાઈના પરિવારને જાણ થઈ ગઈ હતી. એટલે પકડાઈ જવાના ડરથી આરોપીઓે તેમને પણજીના જંગલ વિસ્તારમાં છોડી મૂક્યા હતા. એટલે બધા ચાલતા ચાલતા નજીક આવ્યા અને કોઈના ફોન મારફતે પૈસા મંગાવ્યા હતા. બાદમાં ગાડી કરીને ઘરે પરત ફર્યા બાદ પરિવારને સઘળી હકિકત જણાવી હતી. પરિવારે આ વાતની જાણ કલોલ અને અમદાવાદના એજન્ટોને કરી હતી. તેઓએ પૈસા પરત આપવાની જવાબદારી લઈ રુપિયા 300ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવી અને રુપિયા 31.50 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું અને દીકરા દર્શીલને અમેરિકા મોકલવાની બાંયધરી આપી હતી.

ત્યારબાદ 23-02-2021ના રોજ દર્શીલને ટ્રેન મારફતે દિલ્હી મોકલ્યો હતો. દિલ્હીમાં કોઈ લેવા ન આવતા બીજા દિવસે દર્શીલ ઘરે પરત ફર્યો હતો. આખરે નંદાસણના ખેડૂતને ભાન થયું કે પોતે છેતરાયા છે એટલે રવિન્દ્ર પટેલ અને જીનલ પટેલ વિરૂદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Source link