સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત!

  સુરત(Surat): શહેરના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાતા ચકચાર મચી જવા પામી છે. આ અકસ્માત દરમિયાન ડમ્પરની અડફેટે આવતાં બાઈક ચાલક રોડ પર પટકાયા પછી ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બાઈક ચાલકના કરુણ મોતની જાણ થતાં પરિવાર સહિતના લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કરતાં મૃતકના મૃતદેહ પાસે જ ન્યાયની માગ સાથે બેસી ગયાં હતાં. લોકોનો આ પ્રકારનો ઉગ્ર રોષ જોઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોને સમજાવવાથી લઈને વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે, અંદાજે 40 ફૂટ સુધી ડમ્પર બાઈક ચાલકને ઘસડી ગયો હતો.

અકસ્માતને કારણે લોકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ:
સુરતના ડીંડોલી બસ સ્ટેન્ડની નજીક શાકભાજી માર્કેટ પાસે ત્રણ રસ્તા નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માત્ર એટલું જ નહીં પણ ટ્રક ચાલકએ બાઇક ચાલકને 40 ફૂટ સુધી ઘસડી જતા લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને મૃતદેહની બાજુમાં જ બેસી ગયા હતા.

અકસ્માતની ઘટના CCTVમાં થઇ કેદ:
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો હતો. તપાસ કરવામાં આવતા મૃતક રમેશ મહાજન હોવાનું અને ડિંડોલી રૂક્ષ્મણી સોસાયટીમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. પરિવારના સ્વજનના મોતને લઈ રસ્તા પર બેસી વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. હાલમાં ડિંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.