સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામુંઃ 60 દિવસમાં પશુઓનું સુરત કોર્પોરેશનમાં ફરજિયાત કરાવવું પડશે રજીસ્ટ્રેશન!

Surat police commissioner order compulsory registration of street animals in Corporation during 60 days

તમામ ઢોરોના માલિકોને ૬૦ દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.

સુરતઃ શહેરમાં પશુઓના માલિકોએ ૬૦ દિવસમાં પોતાના પશુઓનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સુરત શહેર વિસ્તારમાં જાહેર રસ્તાઓ, માર્ગો પર રખડતા ઢોરોના કારણે માર્ગ અકસ્માતમાં વ્યક્તિઓના મૃત્યુ સહિત ટ્રાફીકની અનેક સમસ્યાઓ સર્જાય છે. જેથી, સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશનરના હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે) માલિકોને ૬૦ દિવસમાં પોતાની માલિકીના તમામ પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવી પોતાના ઢોરનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું ફરમાન કર્યું છે.

તેમજ ટેગ તથા ચીપ લગાડેલ ઢોરની માલિકી બદલાય તો એટલે કે આવા રજીસ્ટ્રેશન કરાવેલ ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષીસ, અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય અથવા જો ઢોરનું મરણ થાય તો તેની જાણ ઢોરના માલિકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવાની રહેશે. આ હુકમનો અમલ તા.૨૦/૦૩/૨૦૨૨ થી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.