સુરતમાં રીઢા ચોરોનું રટણઃ હીરા ભરેલી લેપટોપ બેગ બ્રિજ પરથી નદીમાં નાખી!

 

સુરતઃ લાખો રૂપિયાના હીરા ભરેલી લેપટોપ બેગ ચોરોએ તાપી નદીમાં ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં બનેલી ઘટનામાં બેડરૂમની ખુલ્લી બારીમાંથી ઘરમાં પ્રવેશેલા ચોર 15.45 કરોડના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. આ સાથે તેમને કેટલાક દસ્તાવેજ પણ ગુમ થયા હતા. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આરોપીઓ પોલીસથી હીરા બચાવવા માટે ખોટી સ્ટોરી બનાવી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, 25 વર્ષથી નાની ઉંમરના બન્ને ચોરોએ લેપટોપની બેગ ફંફોસીને તેને નદીમાં નાખી દીધી હોવાનું રટણ કરી રહ્યા છે. બીજી તરફ હકીકત સામે લાવવા માટે પોલીસ દ્વારા વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

એક અઠવાડિયા પહેલા બનેલી ઘટનામાં વેપારી લેપટોપ બેગમાં હીરા લઈને ઘરે પહોંચ્યા હતા અને પોતાની બાજુમાં જ રાખીને સૂઈ ગયા હતા. જોકે, તેમણે સવારે ઉઠીને જોયું તો હીરા ગાયબ હતા. આ પછી તપાસ કરતા બારી ખુલ્લી હતી અને કેટલાક કાગળિયા નીચે પડ્યા હતા પરંતુ ત્યાં જઈને તપાસ કરી તો હીરા નહોતા પડ્યા. જે બાદ તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ કરતા સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં રાત્રે સવા વાગ્યે બે ચોર બાઈક પર આવેલા દેખાયા હતા. આ કેસમાં વધારે તપાસ કરીને પોલીસે તેમને ઉત્રાણ રામપાટ પાણીની ટાંકી પાસેથી બેરોજગાર અજય ઉર્ફે બોડા રામુભાઈ વસાવા (22) અને રિક્ષા ડ્રાઈવર મુકેશ ઉર્ફે પપ્પુ રામશીરોમણ મૌર્યા (23)ની ધરપકડ કરી લીધી હતી. પપ્પુ મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું માલુમ પડ્યું છે. આ બન્ને ચોરો પાસેથી પોલીસે મોટરસાઈકલ, મોબાઈલ એમ કુલ મળીને 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બન્ને આરોપીઓએ વેપારીના ઘરમાં બારીમાંથી ઘૂસીને હીરાની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે, જોકે, તેમાંથી લેપટોપ બેગ લઈને ઘરમાંથી નીચે ગયેલા ચોરોએ તેમાં જોયું તો કાગળિયા હતા અને તે નીચે જ નાખી દીધા હતા. આ પછી લેપટોપ બેગમાં હીરા છે તેવી કોઈ માહિતી નહી હોવાથી તેને સવજી કોરાટ બ્રિજ પરથી તાપી નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું છે. જોકે, આ રીઢા ચોર હીરા ક્યાંક છૂપાવીને નદીમાં બેગ નાખી દીધી હોવાનું રટણ કરી રહ્યા હોવાની આશંકા છે. આ શંકાના આધારે વધારે તપાસ કરવામાં આવી રહી છે.

Source link