સુરતમાં ગ્રીષ્માના મર્ડર બાદ ગુજરાતમાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો વધ્યા!

 

અમદાવાદ: સુરતના કામરેજમાં ગ્રીષ્મા વેકરિયામા મર્ડર બાદ ગુજરાતમાં એક તરફી પ્રેમમાં હત્યાના બનાવો વધી ગયા છે. જેમાં સુરત ઉપરાંત જુનાગઢ, રાજકોટ, મહીસાગર, અમદાવાદ, જામનગર, નડિયાદ અને વડોદરા શહેરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 12 ફેબ્રુઆરીના રોજ શહેરના કામરેજમાં ફેનિલ નામના શખ્સે ગીષ્માની તેના ઘરની બહાર તેના પરિવારની સામે ગળું કાપીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ રાજકોટમાં આવેલી એક હોટલમાં યુવકે પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં થોડા દિવસ પહેલા તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહીસાગર અને અમદાવાદમાં પણ એકતરફી પ્રેમમાં યુવતી અને પરિણીતાની જાહેરમાં જ હત્યા કરાઈ હોવાની ઘટનાઓ બની જ્યારે માણસા અને ગીરસોમનાથમાં પણ એક જ પેટર્નથી યુવતી પર જીવલેણ હુમલા થયા, અને મંગળવારે રાતે વડોદરામાં પણ 19 વર્ષીય યુવતીને તીક્ષ્ણ હથિયારના 10 જેટલા ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ હાથ પણ કાપી નાખ્યો હોવાથી હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે.

સુરત: ગ્રીષ્મા વેકરિયાની હત્યા
શહેરના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો અને પરિવારની સામે જ ગ્રીષ્માનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી હતી.

જુનાગઢ: પ્રેમીએ ગર્ભવતી યુવતીને રહેંસી નાખી
રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ગર્ભવતી યુવતીને તેનો લિવ ઈન પાર્ટનર મનસુખ ઉર્ફે ટીનો જાદવ 8 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લઈ ગયો હતો. ત્યારબાદ ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. અહીં મનસુખે ઉર્મિલા પર આડેધડ છરીના ઘા વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી.

ધોરાજી: પ્રેમિકાનું નાક-આંગળી કાપી હત્યાનો પ્રયાસ
15 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ રોડ પર આંબાવાડી કોલોની પાસે રહેતી યુવતી પર લિવન ઈન પાર્ટનરે ખૂની હુમલો કર્યો હતો. રાજકોટમાં રહેતા શખસ અને તેના મિત્રએ ધોરાજી માં યુવતીના ઘરે આવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરી ખૂની હુમલો કર્યો હતો. લિવ ઈન પાર્ટનરે પ્રેમિકાનું નાક અને આંગળી કાપી નાખ્યા હતા. એટલું જ નહીં હુમલા વખતે વચ્ચે પડેલી તેની માતા અને બહેન પર પણ હુમલો કર્યો હતો.

સુરત: એકતરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની હત્યા કરી
18 ફેબ્રુઆરીના રોજ સુરતનાં પલસાણા જિલ્લા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતા યુવાનનો મૃતદેહ કાપડનાં તાકા નીચે સડી ગેયલી હાલતમાં મળી આવ્યો. મૃતદેહમાંથી દુર્ગંધ આવતા આ હત્યાનો ખુલાસો થયો હતો. જે બાદ મિલનાં સીસીટીવી ફૂટેજનીતપાસ કરવામાં આવતાં તેમાં એક વ્યક્તિ કાપડનાં તાકા નાંખીને એક વ્યક્તિને દાટી દેતો હોવાનું દેખાઇ રહ્યું હતું. પોલીસ તપાસમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જ મહિલાની પતિની હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

ગાંધીનગર: સગીરાનું ગળે કટર મારી હત્યાનો પ્રયાસ
19 ફેબ્રુઆરીએ ગાંધીનગરના માણસા તાલુકાના અમરાપૂરમાં સગીરાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં યુવકે સગીરાના ગળા પર કટરથી ઘા ઝીંકી હુમલો કર્યો છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનોએ સગીરાને સારવાર માટે ખસેડી છે. તેમજ આ ગંભીર ઘટનાને પગલે પોલીસ, FSLની ટીમ ઘટના સ્થળે પહોચ્યા હતા અને યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.

ગીર સોમનાથ: વેરાવળમાં યુવતીને ઘરમાં ઘૂસી છરી મારી
સુરત અને ગાંધીનગર બાદ 21 ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પણ યુવતી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથના વેરાવળના પોશ વિસ્તારમાં હિંચકારી ઘટના બની જેમાં ઘરમાં એકલી રહેલી યુવતી પર પ્રેમીએ છરી વડે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. દરમિયાન પાડોશીઓ આવી જતા યુવક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હુમલાખોર યુવકને ઝડપી પાડ્યો હતો.

જામનગર: અનૈતિક સંબંધોમાં યુવકની હત્યા
3 માર્ચના રોજ જામનગરમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રેમિકાએ જ પતિ, પુત્ર અને પુત્રના મિત્ર સાથે મળીને યુવકને ધારદાર હથિયારથી રહેંસી નાખ્યો હતો. જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ નજીક મઠફળીમાં રહેતા યુવાન પર મોડીરાતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. અનૈતિક સંબંધોના કારણે આ હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ: હોટલમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી આપઘાતનો પ્રયાસ
7 માર્ચની રાતે રાજકોટની એક હોટલમાં યુવકે તેની ગર્લ ફ્રેન્ડની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની વિગતો એવી છે કે, કાલાવડની યુવતી અને ભુજના માધાપરનો યુવક પ્રેમસંબંધમાં હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા પોતાના પરિવારને ફોન પણ કર્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારે યુવતીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ બેડ પર પડ્યો હતો.

અમદાવાદ: માધુપુરામાં પરિણીતાને જાહેરમાં જ રહેંસી નાખી
અમદાવાદમાં 8 માર્ચના રોજ માધુપુરા વિસ્તારમાં સનકી પ્રેમીએ પરિણીતાની જાહેરમાં ચપ્પા વડે હુમલો કરી કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક ટીમ બનાવી હત્યારાને ઝડપી પાડ્યો હતો. જો કે, હત્યારા પ્રેમીની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં હતા. મૃતક પરિણીતા અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા 13 વર્ષથી તેઓ પતિ અને પત્નીની જેમ જ રહેતા હતા. જો કે, પરિણીતાની દીકરીની સગાઈ થઈ હોવાથી તેણે આરોપી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. અને તેનું માઠું લાગવાને કારણે આરોપીએ પરિણીતાની હત્યા કરી દીધી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

મહીસાગર: પ્રેમીએ છરીના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી
10 માર્ચના રોજ મહીસાગર જિલ્લાના વીરપુરમાં સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસ જેવી જ ઘટના સામે આવી હતી. જેમાં યુવકે પ્રેમિકાને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વિરપુરના દુધેલા ગામમાં એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી નાખી. યુવતી ખેતરમાં કામ કરી જવા માટે ઘરે પરત ફરતી હતી તે વખતે તેના જ ગામમાં રહેતા તેના પ્રેમીએ ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી.

સુરત: મહિલાનું ગળું કાપીને ભાગી ગયો અજાણ્યો શખસ
14 માર્ચના રોજ શહેરના કાપોદ્રા વિસ્તારમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસીને એક વર્ષના દીકરીના સામે જ 30 વર્ષીય મહિલાનું ગળું કાપી હત્યા કરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે પતિએ વારંવાર ફોન કર્યો હોવા છતાં પત્ની કૉલ રિસીવ કરી રહી નહોતી.

નડિયાદ: પ્રેમ પ્રકરણમાં અમદાવાદના 4 યુવકોની હત્યા
ખેડા નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદના 4 યુવકોની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 14 માર્ચની રાતે નેશનલ હાઇવે નંબર 8 પર માતરના સોખડા ગામની સીમમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રક પાછળ બાઇક ઘૂસી જવાની ઘટનામાં ચાર યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાઈક ચાલકોની સાથે અન્ય એક ગાડીમાં 3 શખસો સવાર હતા. જેમણે યુવકોના બાઈકને ઇરાદાપૂર્વક ટક્કર મારતાં ચારેય યુવકો કન્ટેનર પાછળ ઘૂસી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્કોર્પિયોમાં સવાર 3 શખસોને ઝડપી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પ્રેમ પ્રકરણમાં બાઈક પર જતા 4 યુવકોની કારની અડફેટે લઈને હત્યા કરાઈ હતી.

વડોદરા: 19 વર્ષીય યુવતીનો હાથ કાપીને પતાવી દીધી
22 માર્ચની રાતે વડોદરામાં 19 વર્ષીય છોકરીની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે નેશનલ હાઈવે- 48 પર લેન્ડફિલ સ્પોટ નજીકથી હત્યા કરાયેલી યુવતીની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતા મૃતક યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની તૃષા સોલંકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં આરોપી કમલેશ ઠાકોરને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પરિવારજનોએ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપી ન્યાય મળે તેવી માંગ કરી છે.

લગભગ એક જ પેટર્નથી હત્યા
ગ્રીષ્મા વેકરિયાનું જાહેરમાં ગળું કાપીને હત્યા કર્યાની ઘટના બાદ રાજ્યમાં એકતરફ પ્રેમમાં યુવતી-મહિલાઓ પર લગભગ એક જ પેટર્નથી હુમલાઓ થયા. જેમાં ગાંધીનગરના માણસામાં યુવકે કટરથી યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો, તો માધુપુરામાં યુવકે જાહેરમાં જ છરી વડે પરિણીતાને રહેંસી નાખી. વેરાવળમાં પણ એકતરફી પ્રેમમાં આવેશમાં આવેલો યુવક ઘરમાં ધૂસી ગયો હતો અને યુવતીના ગળાના ભાગે છરી મારી હતી. આ ઉપરાંત મહીસાગરમાં પણ ખેતરથી કામ પતાવીને ઘરે જતી યુવતીને છરી વડે હત્યા કરી હતો, જ્યારે વડોદરામાં 19 વર્ષીય યુવતીનો તો હાથ જ કાપી નાખ્યો. આમ એકતરફી પ્રેમમાં હત્યાની ઘટનાઓથી વધતા લોકોનો ક્યાંકને ક્યાંક પોલીસ પરથી પણ વિશ્વાસ ઉઠી રહ્યો છે.

Source link