સુરતઃ પારસી પરિવારની 100 કરોડની જમીન પચાવી પાડવા ભૂમાફિયાઓએ ગજબનો ખેલ ખેલ્યો!

 

Surat Land Mafia: સુરતના ખજોદ પાસે આવેલી પારસી પરિવારની 100 કરોડની જમીન પાણીના ભાવે પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ ગજબનો ખેલ ખેલ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતના ભટાર વિસ્તારના મોટા ફાયનાન્સર અને સામાજિક આગેવાન ગણાતાં ભૂમાફિયાએ 100 કરોડની જમીન 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હોવાના બોગસ દસ્તાવેજો બનાવડાવ્યા છે. એટલું જ નહીં, નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આવેલી અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી આ જમીનના 60 વર્ષ અગાઉ નોંધાયેલાં ઓરિજનલ દસ્તાવેજો ગાયબ કરી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને બોગસ દસ્તાવેજો મુકી દેવામાં આવ્યા છે. આમ સબ રજિસ્ટાર કચેરીમાં કામ કરતાં કર્મચારી પણ આ કૌભાંડમાં સંડોવાયેલાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓરિજનલ દસ્તાવેજ ગાયબ કરી દેવાના કેસમાં પોલીસે તપાસ કરતાં ભૂમાફિયાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

હાલ મુંબઈમાં સ્થાયી થયેલાં પારસી પરિવારની સુરતના ખજોદ ખાતે 100 કરોડ રૂપિયાની જમીન છે અને વર્ષ 1961ની સાલમાં જમીનનો ઓરિજનલ દસ્તાવેજ પણ કરાવવામાં આવ્યો હતો. અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી આ જમીનના ઓરિજનલ દસ્તાવેજ ગાયબ કરીને તેના સ્થાને બોગસ સાટાખત, સોદા ચિઠ્ઠીના આધારે જમીન વલસાડ જિલ્લાના વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ ઉભા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પણ સ્વર્ગસ્થ વ્યક્તિનાં વારસદારો પાસેથી 100 કરોડની જમીન 2.15 કરોડમાં ખરીદી હોવાના બોગસ દસ્તાવેજ કરાયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2.15 કરોડના પેમેન્ટ માટે 90 લાખ રૂપિયા ચેકમાં તેમજ બાકીની રકમ રોકડેથી ચૂકવવામાં આવી છે. જો કે, હવે ભટારના મોટા ફાયનાન્સરનો જમીન પચાવી પાડવાનો આ ખેલ ઊંઘો પડી ગયો છે. જો કે, ભૂમાફિયા દ્વારા ખોટા દસ્તાવેજ ઉભા કરી દેવામાં આવ્યો તો છે, પણ રેવન્યૂ રેકોર્ડમાં 7/12ના ઉતારામાં હજુ પણ પારસી પરિવારનું નામ છે.

આ ઉપરાંત દસ્તાવેજ નોંધવી માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે અને રદ કરાવવો હોય તો પણ સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. આ ઉપરાંત ટીડીએસ ન ભરવો પડે તે માટે ભૂમાફિયા દ્વારા 50 લાખની મર્યાદામાં બે દસ્તાવેજ કર્યાં છે. પોલીસ દ્વારા અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ડુમસ, વેસુ, સિંગણપોરના ઓરિજનલ દસ્તાવેજ ગાયબ કરવાના પ્રકરણમાં તપાસ શરૂ કરવામાં આવતાં ભૂમાફિયાઓમાં દોડધામ મચી જવા પામી છે.

Source link