સાબરમતી જેલમાં થયેલી ચેતન બેટરીની હત્યા કેસમાં ગોવા રબારી સહિત 4 લોકોનો નિર્દોષ છૂટકારો!

 

અમદાવાદઃ સાબરમતી જેલમાં 2005માં ચેતન પટેલ ઉર્ફે ચેતન બેટરીની (Chetan battery murder caser)હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં ગોવા રબારી (Gova rabai) અને ત્રણ જેલ અધિકારીઓ સહિત અન્ય એક આરોપીને હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા છે. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સજા હાઈકોર્ટે યથાવત રાખી છે. મહત્વનું છે કે, આ હત્યા કેસમાં સેશન્સ કોર્ટે ગોવા રબારીને સૂત્રધાર ગણીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેને પગલે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અપીલ ગ્રાહ્ય રાખવામાં આવી હતી. હાઈકોર્ટે નોંધ્યુ હતુ કે ગોવા રબારીને મુખ્ય ષડયંત્રકાર ગણાવવા માટેના મજબૂત પુરવા નથી. સાથે જ પ્રોસિક્યુશન પણ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. જે બાદ હાઈકોર્ટે ચેતન બેટરી હત્યા કેસમાં ગોવા રબારી સહિત ચાર લોકોને નિર્દોષ છોડ્યા હતા.

સાબરમતી જેલમાં હત્યા (sabarmati central jail murder) કેસમાં દોષિત ઠરી આજીવન કેદની સજા ભોગવી રહેલા ગોવા રબારી અને ચેતન બેટરીના વિખવાદ બાદ ઓગસ્ટ 2005માં ચેતન બેટરીની હત્યા થઈ હતી. આ હત્યા પછી સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. ટ્રાયલ બાદ 2012માં આ કેસમાં 11 લોકોને હત્યા અને ગુનાહિત ષડયંત્ર બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારવવામાં આવી હતી. આ અગિયાર દોષિતોમાં જેલના ત્રણ અધિકારીઓ જેલર ઈશ્વર સોનારા, ધરમપાલ સિંહ ચૌહાણ અને સબ જેલર ભીખા રબારીનો પણ સમાવેશ હતો. હત્યા કેસમાં દોષિત ઠરેલા 11માથી 10 દોષિતોએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

ત્યારે જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ સમીર જે. દવેએ ગોવા રબારી સહિતના આરોપીઓને નિર્દોષ છોડતા નોંધ્યુ કે, અરજદારો સામે સાંયોગિક પુરવાઓ પણ છે પણ તેઓ દોષિત સાબિત થઈ શકે એટલા મજબૂત પુરવાઓ નથી. જ્યારે ગોવા રબારી અંગે કોર્ટે નોંધ્યુ કે, તે જ મુક્ય ષડયંત્રકાર છે એવું પ્રસ્થાપિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ સાબિત થયુ છે. ગુનો બન્યો ત્યારે તેના ત્રણ મહિના પહેલેથી જ ગોવા રબારીની સારવાર ચાલી રહી હતી. જે દિવસે ઘટના બની ત્યારે તેની જેલ સંકુલમાં હાજરી નહોતી. કોર્ટે એવું પણ નોંધ્યુ કે જેલમાં જ્યારે હથિયારો પહોંચ્યા ત્યારે જેલના અધિકારીઓ કાવતરાનો ભાગ હતા એવું માની શકાય નહીં. જેથી બેદરકાર રહેવા બદલ અને કેદીઓ પર વોચ રાખવા બદલ નિષ્ફળ જવા બદલ તેમની સામે ખાતાકિય તપાસ અને કાર્યવાહી થઈ શકે છે.

Source link