સાબરકાંઠાઃ સંગીત વિશારદની ભરતીમાં કૌભાંડ, અધિકારી સહિત પાંચ સામે ફરિયાદ

 

હિંમતનગરઃ રાજ્યમાં પેપર ફૂટવાની અને ભરતીમાં પ્રક્રિયામાં ડખા થવાના કિસ્સામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. આ વખતે સાબરકાંઠામાં સંગીત વિસારદની ભરતીમાં ગોટાળો કરાયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2008ની ઘટનામાં ખાલી પડેલી 6 સંગીત વિસારદની ભરતી પ્રક્રિયા જાહેરાત આપવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હેડક્લાર્ક અને સિનિયર ક્લાર્ક દ્વારા ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની બાબતે ગુનો નોંધાયો છે. હિંમતનગરના પોલીસ સ્ટેશનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, હેડક્લાર્ક, સિનિયર ક્લાર્ક અન બે શિક્ષકો એમ પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મામલો ગાંધીનગર પહોંચ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે.

મળતી વિગતો પ્રમાણે વર્ષ 2008માં ખાલી પડેલી પીટીસીની 192, સીપીએડની 14, એટીડીની 8 અને સંગીત વિશારદની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં સંગીત વિશારદમાં જનરલ કેટેગરી માટે 80.85% અને ઓબીસી કેટેગરી માટે 76.11% કટઓફ માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. અહીં કટઓફ માર્ક્સના આધારે 6 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી જેમાં પટેલ કોમલબેન જયંતિભાઈ, દેસાઈ નિતાબેન રાજુભાઈ, પટેલ મુકેશકુમાર રમણભાઈ, ભટ્ટ મુકેશભાઈ ગંગારામભાઈ, રાવળ રાકેશકુમાર સુરેન્દ્રકુમાર, કચોટ વિજયકુમાર ઓઘડભાઈનો સમાવેશ થતો હતો. આ ભરતી માટે મેરિટ લિસ્ટ પ્રમાણે તારીખ 27-07-10ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પીએફ પારઘી દ્વારા નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

આમ 6 લોકોની સંગીત વિશારદ તરીકે ભરતી કરવાની હતી આમ છતાં અન્ય બે ઉમેદવારોની લેખિત અરજીઓ બાદ નિમણૂક આપવામાં આવી હતી. જેમાં હિંમતનગરના પટેલ કિંજલબેન હરીભાઈ અને ઈડરના પટેલ ધરતીબેન કાન્તીભાઈનો સમાવેશ થાય છે. તારીખ 25-08-10ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીને નિમણૂક હુકમો આપ્યા હતા. આ મામલે ખાતાકીય અને શિક્ષણ નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરની દસ્તાવજી પુરાવાની તપાસમાં માલુમ પડ્યું કે 6ની જગ્યાએ 8 લોકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પીએફ પારઘી, તેમની જ કચેરીના હેડક્લાર્ક એએન દવે, સિનિયર ક્લાર્ક હરીભાઈ કે પટેલ અને બે વિદ્યાસહાયક ધરતીબેન કાન્તીભાઈ પટેલ અને કિંજલબેન હરીભાઈ પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Source link