વેંકટેશ ઐય્યર અને સૂર્યકુમારને જબરદસ્ત ફાયદો, લોકેશ રાહુલને થયું નુકસાન!

 

ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડરના બેટર સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐય્યરને બુધવારે મોટો ફાયદો થયો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ત્રણ ટી20 મેચની સીરિઝમાં ધમાકેદાર પ્રદર્શન કરવા બદલ આઈસીસી મેન્સ ટી20 રેન્કિંગમાં બંને બેટરને ફાયદો થયો છે. સૂર્યકુમાર 21માં અને ઐય્યર 115માં સ્થાને આવી ગયો છે. બંને બેટર માટે આ સીરિઝ શાનદાર રહી હતી અને રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ સીરિઝમાં સૂર્યકુમાર ભારત માટે સૌથી વધુ રન નોંધાવનારો બેટર રહ્યો હતો જ્યારે બીજા ક્રમે ઐય્યર રહ્યો હતો.

પોતાના આ પ્રદર્શનથી સૂર્યકુમારને 35 સ્થાનનો ફાયદો થયો હતો અને તે 21માં ક્રમે આવી ગયો છે. જ્યારે ઐય્યરે 203 સ્થાનની મોટી છલાંગ લગાવી છે અને તેણે 115માં ક્રમે આવી ગયો છે. જોકે, લોકેશ રાહુલને બે સ્થાનનું નુકસાન થયું છે અને તે છઠ્ઠા ક્રમે આવી ગયો છે. વિરાટ કોહલી બેટર્સની યાદીમાં 10માં ક્રમે યથાવત છે. બોલર્સ અને ઓલ-રાઉન્ડર્સની યાદીમાં એક પણ ભારતીય ખેલાડી સામેલ નથી.

ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના નવનિયુક્ત સુકાની રોહિત શર્માએ પોતાનું છઠ્ઠું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કોહલી એક સ્થાનના નુકસાન સાથે સાતમાં ક્રમે પહોંચ્યો છે. બોલર્સ રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય બોલર સામેલ છે. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે છે જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ 10માં ક્રમે છે. ઓલ-રાઉન્ડર્સની યાદીમાં રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે જ્યારે રવિન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે.

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ધમાકેદાર પ્રદર્શન કરનારો સૂર્યુકુમાર યાદવ ઈજાના કારણે શ્રીલંકા સામે રમાનારી ટી20 શ્રેણીમાં રમી શકશે નહીં. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અંતિમ ટી20 દરમિયાન સૂર્યકુમારને હેરલાઈન ક્રેક થઈ હતી જેના કારણે તે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. આ ઉપરાંત ઝડપી બોલર દીપક ચહર પણ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં રમી શકશે નહીં.

Source link