વાવમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના!

 

પાલનપુર: વાવની એક સ્કુલમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થિની માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના ઢીમાની સંસ્કાર ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શુક્રવારે ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પ્રશ્નપત્ર લખી રહ્યો હતો ત્યારે અચાનક એક શખ્સ રૂમમાં ધસી આવી વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં તેના આધારે વિદ્યાર્થીના વાલીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલા પાછળનું કારણ બે વિદ્યાર્થી વચ્ચે અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુ:ખ હોવાનું સામે આવ્યું છે.

આખી ઘટના સીસીટીવીમાં કેદ
ભોગ બનેલા વિદ્યાર્થીના પરિવારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો દીકરો ધોરણ-11માં અભ્યાસ કરે છે અને અને શુક્રવારે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9માં કરશનભાઈ સુજાભાઈ વેંજીયાના દીકરા સાથે પંદરેક દિવસ શાળાનાં ગ્રાઉન્ડમાં રમતા રમતા ઝઘડો થયેલો હતો. જોકે, તે વખતે મેં મારા દીકરાને શાળામાં ધ્યાન રાખી અભ્યાસ કરવાની અને કોઈ સાથે ઝઘડો ના કરવા સમજાવ્યો હતો.

આ દરમિયાન શુક્રવારે ફરિયાદીનો દીકરો પરીક્ષા ચાલતી હોવાથી સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી પરીક્ષા આપવા સ્કૂલે ગયો હતો. ત્યારે પુત્ર સાથે થયેલાની અદાવત રાખી તેના પિતા કરશનભાઇ સુજાભાઈ રાજપુતે લોખંડનો સળિયા વડે વિદ્યાર્થીને માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન ફરજ પરના હાજર શિક્ષકે વિદ્યાર્થીને બચાવ્યો હતો.

વાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનાર રાજપૂત કરશન ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. કારણ કે, તે એક મર્ડર કેસનો મુખ્ય આરોપી તેમજ વાવ પોલીસ સ્ટેશનમાં તેની સામે અનેક ગુના પણ નોંધાયા છે. હુમલાના મામલે કરશન રાજપૂત સામે વાવ પોલીસ મથકે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા અમીરામભાઈ હરસેંગભાઈ ઢેમેચાએ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Source link