વાપી: જય શ્રીરામ બોલવા પર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર લખાવ્યું!

 

વાપીઃ વાપીની એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓએ અભિવાદન માટે એકબીજાને ‘જય શ્રીરામ’ કહ્યા બાદ સ્કૂલે તેમને સજા કરતા વિવાદ સર્જાયો છે. બે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા સજા કરાઈ હોવાનું માલુમ પડતા વાલીઓએ આ અંગે હિન્દુ સંગઠનોને વાત કરતા તેમણે સ્કૂલ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધનું વંટોળ ઉભું થતા જોઈને આખરે સ્કૂલ દ્વારા લેખિતમાં વિદ્યાર્થીઓને સજા કરવા બદલ માફી માગવામાં આવી છે.

વાપીના ચાણોદમાં આવેલી સેન્ટ મેરી સ્કૂલના શિક્ષક અને સંચાલકોએ વિદ્યાર્થીઓને જય શ્રીરામના નારા શા માટે લગાવ્યા તેમ કહીને સજા કરી હતી. વિદ્યાર્થીઓએ આમ કરવા બદલ શિક્ષક પાસે માફી માગી તો સંચાલકોએ તેમને માફી પત્ર લખીને ભૂલ કબૂલવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે ધાર્મિક ભેદભાવ કરતા હોવાની વાત પર સ્કૂલ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

જે વિદ્યાર્થીને સજા કરવામાં આવી તેમાંથી એક વિદ્યાર્થીના વાલી રાજીવ ચૌધરીએ જણાવ્યું કે, મારા દીકરાએ તેના મિત્રનું અભિવાદન કરવા માટે જય શ્રીરામ કહ્યું હતું. આ પછી બન્ને વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઘૂટણિયે બેસાડીને માફી પત્ર લખાવ્યું હતું. સ્કૂલે વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં નારાબાજી કરી હોવાનું કહેવામાં આવ્યું હોવાનું વાલી રાજીવ ચૌધરીએ જણાવ્યું છે. વાલીએ વધુમાં જણાવ્યું કે આ અંગે જ્યારે મારા દીકરાને પૂછ્યું કે તમે સ્કૂલમાં હોબાળો કર્યો હતો તો તેણે જણાવ્યું કે અમે તો માત્ર ગૂડ મોર્નિંગ કહીએ તે રીતે જ એક બીજાને જય શ્રીરામ કહ્યું હતું.

અન્ય વિદ્યાર્થીના વાલી જીતેન્દ્ર પ્રસાદે કહ્યું કે, વિદ્યાર્થીઓએ એકબીજાને જય શ્રીરામ કહ્યું તો શિક્ષકે સાંભળી લીધું હતું આ પછી તેમને નીચે બોલાવીને કહ્યું કે તેમે અહીં ભણવા માટે આવો છો કે નારાબાજી કરવા માટે આવો છો? જ્યારે બે વિદ્યાર્થીઓએ આ અંગે માફી માગી તો સ્કૂલે તેમની પાસે લેખિતમાં માફી મગાવી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ લેખિતમાં માફી માગી તો સ્કૂલે તેમની ઘૂટણિયે બેસાડીને માફી પત્ર લખાવ્યું હતું કે આજ પછી હું નારા નહીં લગાઉં.

આ ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ સહિત અન્ય લોકો અને હિન્દુ સંગઠનના લોકોનો આક્રામ મૂડ જોઈને નમતું જોખ્યું હતું. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ સાથે કરેલા વર્તન બદલ પોતાની ભૂલ સમજાઈ હતી અને લેખિતમાં માફી માગી હતી.

વિગતો એવી પણ સામે આવી રહી છે કે વાપીની સેન્ટ મેરી સ્કૂલના સંચાલક દ્વારા પોલીસની હાજરીમાં લેખિતમાં વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સામે વિદ્યાર્થીઓ પાસે માફી પત્ર લખાવીને ભૂલ કરી હોવાનું કબૂલ્યું હતું.

અગાઉ પર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓએ મહેંદી મૂકી હોય, હાથમાં દોરા બાંધ્યા હોય, ધૂળેટીમાં એક બીજા પર રંગ લગાવવા જેવી બાબતોમાં રોકડમાં દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

Source link