વન-ડે ક્રિકેટમાં રચાયો ઈતિહાસઃ ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન ફટકારી નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 

વન-ડે ક્રિકેટમાં શુક્રવારે એક નવો ઈતિહાસ રચાયો છે. ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલી મેચમાં ઘણા રેકોર્ડ્સ નોંધાયા છે. ઈંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે 50 ઓવરમાં ચાર વિકેટે 498 રનનો વિશાળ સ્કોર ખડક્યો છે. જે વન-ડે ક્રિકેટનો સર્વોચ્ચ ટીમ સ્કોર છે. જેમાં ઈંગ્લેન્ડના ત્રણ બેટર્સે સદી ફટકારી હતી. જ્યારે એક બેટરે અડધી સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ માટે ફિલિપ સોલ્ટ, ડેવિડ મલાન અને જોસ બટલરે આક્રમક સદી ફટકારી હતી. આ મેચમાં વન-ડે ક્રિકેટનો સર્વોચ્ચ ટીમ સ્કોરના રેકોર્ડ ઉપરાંત અન્ય ઘણા રેકોર્ડ્સ નોંધાયા છે. જેમાં લિયામ લિવિંગસ્ટોન ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો બેટર બની ગયો છે. આ ઉપરાંત બોલિંગમાં પણ કંગાળ રેકોર્ડ નોંધાયો છે.

ફિલિપ સોલ્ટ અને ડેવિડ મલાનની 222 રનની ભાગીદારી
નેધરલેન્ડ્સની ટીમે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ઈંગ્લેન્ડે બીજી જ ઓવરમાં એક રન પર પોતાની એક વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર જેસન રોય એક રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ નેધરલેન્ડ્સને બીજી વિકેટ ઝડપવા માટે 222 રનની રાહ જોવી પડી હતી. ઓપનર ફિલિ સોલ્ટ અને ડેવિડ મલાને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને 222 રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંને બેટરે સદી ફટકારી હતી. સોલ્ટ 93 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 122 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ડેવિડ મલાને 109 બોલમાં 125 રન ફટકાર્યા હતા જેમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી.

જોકે, મુખ્ય આકર્ષણ જોસ બટલર અને લિયામ લિવિંગસ્ટોનની અડધી સદી રહી હતી. જોસ બટલરે ફક્ત 47 બોલમાં સદી પૂરી કરી હતી. જોકે, તે પોતાના જ રેકોર્ડને તોડવામાં ચૂકી ગયો હતો. બટલરે 2015માં પાકિસ્તાન સામે 46 બોલમાં સદી ફટકારી હતી. જોસ બટલરે 70 બોલમાં અણનમ 162 રન ફટકાર્યા હતા. જેમાં સાત ચોગ્ગા અને 14 સિક્સર સામેલ હતી. જ્યારે લિયામ લિવિંગસ્ટોને 22 બોલમાં અણનમ 66 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં છ ચોગ્ગા અને છ સિક્સર સામેલ હતી. લિવિંગસ્ટોને 17 બોલમાં અડધી સદી ફટકારી હતી જે ઈંગ્લેન્ડના બેટરની સૌથી ઝડપી અડધી સદી છે.

મેચમાં નોંધાયેલા મોટા રેકોર્ડ્સ
– સર્વોચ્ચ ટીમ સ્કોરઃ ઈંગ્લેન્ડે ચાર વિકેટે 498 રનનો સ્કોર નોંધાવ્યો જે વન-ડે ક્રિકેટ ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. જોકે, ઈંગ્લેન્ડે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઈંગ્લેન્ડે અગાઉ 19 જૂન 2018માં નોટ્ટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે 481 રન નોંધાવ્યા હતા. વન-ડેમાં ટોપ ટીમના હાઈએસ્ટ ટોટલના ટોપ-3માં ઈંગ્લેન્ડ જ છે. ઈંગ્લેન્ડે નોટ્ટિંગહામમાં જ પાકિસ્તાન સામે ઓગસ્ટ 2016માં ત્રણ વિકેટે 444 રન નોંધાવ્યા હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડનો ચાર વિકેટે 498 રનનો સ્કોર લિસ્ટ-એ ક્રિકેટનો પણ સૌથી મોટો સ્કોર છે. અગાઉ આ રેકોર્ડ સરેના નામે હતો. સરેએ 2007માં 50 ઓવરમાં 496 રન નોંધાવ્યા હતા.
 લિયામ લિવિંગસ્ટોને 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે વન-ડે ઈતિહાસની બીજી સૌથી ઝડપી અડધી સદી છે. વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. તેણે 2015માં જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે લિવિંગસ્ટોને 17 બોલમાં અડધી સદી ફટકારી. આ ઉપરાંત શ્રીલંકાનો સનત જયસૂર્યા અને કુશલ પરેરા તથા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ પણ 17 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.

– વન-ડેમાં ફાસ્ટેસ્ટ 150 રનઃ નેધરલેન્ડ્સ સામે જોસ બટલરે 65 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. તે બે બોલથી એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડવાથી ચૂકી ગયો હતો. એબી ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે જોહાનિસબર્ગમાં રમાયેલી વન-ડેમાં 64 બોલમાં 150 રન પૂરા કર્યા હતા.

– વન-ડેનું ચોથું સૌથી ખરાબ બોલિંગ પ્રદર્શનઃ નેધરર્લેન્ડ્સના ફિલિપ બોઈસ્સેવેને ઈંગ્લેન્ડ સામે પોતાની 10 ઓવરમાં 108 રન આપ્યા હતા. જે વન-ડેમાં ચોથું સૌથી ખરાબ બોલિંગ પ્રદર્શન છે. સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના માઈકલ લૂઈસના નામે છે. તેણે 2006માં જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં 10 ઓવરમાં 113 રન આપ્યા હતા. જ્યારે પાકિસ્તાનના વહાબ રિયાઝે 2016માં નોટ્ટિંગહામમાં ઈંગ્લેન્ડ સામે 10 ઓવરમાં 110 રન આપ્યા હતા. ત્રીજા ક્રમે અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન છે જેણે 2019માં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામે નવ ઓવરમાં 110 રન આપ્યા હતા. ઈંગ્લેન્ડ સામેની મેચમાં નેધરલેન્ડ્સના શેન સ્નેટરે પણ 10 ઓવરમાં 99 રન આપ્યા હતા.

Source link