વડોદરામાં સિટી બસે યુવતીને કચડી નાખતાં મોત, ઘટનાનો CCTV વિડિયો વાયરલ

 

વડોદરા: વડોદરામાં સિટી બસે યુવતીને કચડી નાખતા કમકમાટીભર્યું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે બસ ડેપો ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરાતા બસ ડ્રાઈવર જયેશ પરમાર નામના શખસની અટકાયત પણ કરવામાં આવી છે. મૃતક યુવતી મૂળ સુરતની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બેફામ બનેલા બસના ચાલકે કેવી રીતે યુવતીનો ભોગ લીધો તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

સીસીટીવીમાં કેદ થઈ ઘટના
ઘટનાના સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે, સિટી બસનો ડ્રાઈવર બસ લઈને બસ ડેપોની બહાર નીકળી રહ્યો હતો, ત્યારે કોલેજ ભણતી એક વિધાર્થિની મોબાઈલ ફોન પર વાત કરતા કરતા પસાર થઈ રહી હતી. જો કે, ડ્રાઈવરને તેની નજર સામે ચાલી રહેલી વિદ્યાર્થીની ના દેખાઈ અને કચડી નાખી. મૃતક વિદ્યાર્થીની મૂળ સુરતની હોવાનુ અને વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે.

વિડીયોના આધારે બસ ડ્રાઈવરની નિષ્કાળજીનો અંદાજો લગાવી શકાય છે. ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર જયેશ પરમારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સિટી બસ ડેપોમાં બનેલી આ ઘટનાને પગલે અન્ય લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેજમ બસ ચાલક સામે લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર સુરતના અમરોલી રહેતી 24 વર્ષીય શિવાની સોલંકી MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે બપોરે શિવાની સિટી બસ ડેપોમાંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલી બસ તેના ઉપર ચડી ગઈ હતી. જેમાં શિવાનીને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Source link