લૂંટેરી દુલ્હન: લગ્નના 10 દિવસમાં જ પત્ની દાગીના લઈને ભાગી જતાં યુવકે જીવન ટૂંકાવ્યું

 

અમદાવાદ: અમદાવાદમાં લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નજીક બારેજમાં રહેતા યુવકે અઠવાડિયા પહેલા જીવન ટૂંકાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે, યુવકે અગાઉ ચાર વખત લગ્ન કર્યા હતા પરંતુ તે ટક્યા નહી અને બાદમાં તેણે એજન્ટોની મદદથી મુંબઈની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે, તે પણ લગ્નના 10 દિવસમાં જ દાગીના લઈને ભાગી ગઈ હતી. આમ વારંવાર લગ્નજીવન ભાંગતા યુવકને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પત્ની દાગીના લઈને ભાગી જતાં યુવકે ભર્યું પગલું
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, બારેજાની હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. આ બનાવના ત્રણ દિવસ બાદ યુવકની માતા રૂમ સાફ કરી રહ્યા હતા ત્યારે રૂમમાંથી યુવકે લખેલી એક ચિટ્ઠી મળી આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રાજુભાઈ, આશાબેન, વલસાડમાં રહેતો અશ્વિન, મુકેશ, સુફિયાન અને રાણી સહિતના લોકોએ તેની સાથે છેતરપિંડી આચરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચિટ્ઠીમાં એવો પણ ઉલ્લેખ કરેલો હતો કે, રાણીને માતા પિતા નથી તેમ કહીન રાજુભાઈ અને આશાબેને યુવતીના બેન બનેવી છીએ તેમ કહીને મૈત્રી કરાર કરાવીને રાણી લગ્ન કરાવ્યા હતા. જેના બદલામાં દોઢ લાખ રૂપિયા પણ લીધા હતા. લગ્ન બાદ રાણી દાગીના લઇને જતી રહી હોવાથી યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવતા અસલાલી પોલીસે ચિટ્ઠીના આધારે ફરાર રાણી સહિતના 8 લોકો સામે છેતરપિંડી અને આપઘાત કરવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડમાં રહેતા લોકો લૂંટેરી ગેંગ સાથે સંકળાયેલા છે અને લોકો સાથે રાણી નામની યુવતીના લગ્ન કરાવીને ભૂતકાળમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Source link