રાષ્ટ્રપતિનું વિધાનસભામાં સંબોધન : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર બની આ ઘટના

 

ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ પરમાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા.
એરપોર્ટ પર સ્વાગત બાદ રાષ્ટ્રપતિ રાજભવન ખાતે જવા માટે રવાના થયા હતા. જ્યાંથી વિધાનસભા ભવન પહોંચીને તેમણે ગૃહને સંબોધિત કર્યું હતું. જે માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી તેમજ ગૃહના તમામ સભ્યોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ગૃહમાં આવ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડી હતી. જે માટે ખાસ બેન્ડ યુનિટ મંગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન તેમને સાંભળવા માટે ગૃહના સભ્યો ઉપરાંત અધિકારીઓ, સંતો તેમજ વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પણ ગૃહમાં હાજર રહ્યા હતા.
વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન ઇતિહાસની એક નવી ઘટના તરીકે ઉમેરાશે. કારણ કે ભારતના ઇતિહાસમાં એવું પ્રથમવાર બન્યું હતું જ્યારે રાષ્ટ્રપતિ કોઈ રાજ્યની વિધાનસભાને સંબોધી રહ્યા હોય. ગુજરાત સરકારે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કર્યું હતું તેમ જણાવ્યું છે.

રાષ્ટ્રપતિનો ગુજરાત પ્રવાસ નક્કી થતા વિધાનસભાની કામકાજ સમિતિની એક બેઠક મળી હતી અને જેમાં રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને વિધાનસભા ગૃહમાં સંબોધન અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેણે પક્ષ તેમજ વિપક્ષ બંને દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. તેમજ ગૃહની બે બેઠકોને બદલે માત્ર એક જ બેઠક યોજવાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. જેથી આજના કામકાજની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણથી થશે.
આવતીકાલે રાષ્ટ્રપતિ જામનગરની મુલાકાત લેશે. જ્યાં તેઓ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ વાલસુરાને રાષ્ટ્રસેવા બદલ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ અપર્ણ કરશે. અહીં ભારતીય વાયુસેનાના લગભગ 150 જવાનો સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે. અહીં ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ હરીકુમાર પણ હાજરી આપશે.

Source link