રાજપૂત કરણી સેનાની જીતુ વાઘાણીને ચીમકી, ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો!

 

ગાંધીનગર: રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમજ રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના મજબૂત પુરાવાઓ સાથે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાઓ રદ કરાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે ખોટા કેસમાં ધરપરડ કરતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ જે પી જાડેજાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જીતુ વાઘાણીને પ્રદેશ પ્રવક્તા પદ પરથી બાદબાકી થવી જોઈએ. જીતુ વાઘાણીએ યુવાનોની માફી માંગવી જોઈએ. નહીંતર ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

ઉલ્લેખનીય છે કે, વાઘાણીના વિવાદાસ્પદ નિવેદનને લઈ સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સાણંદ, મહેસાણા, પાટણ, ગાંધીધામ, મુન્દ્રા અને રાપરમાં વિવિધ સંગઠનો, રાજપૂત સંગઠનો તેમજ કરણી સેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા “જીતુ વાઘાણી કોણ છે? યુવરાજસિંહ નિર્દોષ છે”ના નારા સાથે ઠેર-ઠેર આવેદન પત્રો આપ્યા છે.

રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે પી જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, જીતુ વાઘાણી લોકોને એમ કહે છે કે દેશ અથવા રાજ્ય છોડીને બીજે જતાં રહો. શિક્ષણમંત્રી તરીકે તેમને આ શોભતું નથી. સરકારને પણ કહેવા માંગીએ છીએ કે, જીતુ વાઘાણીને વહેલી તકે પ્રવક્તા પદેથી દૂર કરો નહિંતર આગામી સમયમાં આ બધુ ધોળું કરી નાખશે. સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે, જીતુ વાઘાણી તેમની ભાષામાં સંયમ રાખે. નહીંતર આગામી ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશે.

જે પી જાડેજાએ વધુમાં કહ્યું કે, જીતુભાઈ હજી મોડું નથી થયું..હજી પણ શબ્દો પાછી ખેંચો અને ક્ષત્રિય સમાજના આગેવાનોને મળો અને માફી માંગો. ભાજપ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે, આગામી સમયમાં જીતુભાઈના કારણે પાર્ટીએ પણ સહન કરવું પડશે.

આ ઉપરાંત સુરત યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મહામંત્રી વિવેક પટોડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ન આપી શકનારા શિક્ષણમંત્રી સલાહ આપી રહ્યા છે કે અન્ય સ્થળે જઈને શિક્ષા મેળવો. આ પ્રકારનું નિવેદન એ બતાવે છે કે તેઓ પોતે શિક્ષણને લઈને કેટલા ઉદાસીન છે.

Source link