રાજકોટ: ગોંડલમાં લોહિયાળ બની ધૂળેટી, 24 કલાકમાં જ બે હત્યાથી ચકચાર મચી!

 

રાજકોટ: ગોંડલમાં 24 કલાકમાં હત્યાની બે ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી હોળી- ધૂળેટીના દિવસે શહેરમાં ઉપરાઉપરી બે હત્યાઓ થતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગતો એવી છે કે, ગોંડલમાં ફૂલવાડી ચોકમાં યુવાનની હત્યાના બીજા દિવસે ગુંદાળા ચોકડી પાસે પશુઓના ચારા બાબતે મોટાભાઇએ નાનાભાઇને માથામાં ધોકો મારી મોતને ઘાટ ઉતારી દીધો.

મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી નાખી
મીડિયા રિપોર્ટ અનુસાર શહેરની ગુંદાળા ચોકડી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા કેશુભાઈ પરમારને તેના જ મોટાભાઈ ભીખાએ બકરાના ચારા બાબતે ઝઘડો કરી માથાના ભાગે લાકડાના ધોકાના બે ફટકા મારતા પહેલા ગોંડલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા કેશુભાઈના પત્ની શોભનાબેને પોલીસમાં ભીખાભાઈ પરમાર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેશુભાઈ પરમારને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે અને ઝૂંપડપટ્ટીમા રહી પશુપાલનનું કામ કરી ઘર ગુજરાન ચલાવતા હતા. જો કે, મોટાભાઈ જ જીવલેણ હુમલો કરીને હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ધૂળેટીના દિવેસ પણ બન્યો હત્યાનો બનાવ
ઉલ્લેખનીય છે કે, ગોંડલ શહેરના મોવિયા રોડ ખાતે ફૂલવાડી કોમ્પ્લેક્ષ નજીક પરોઢિયે એક યુવાનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં રાજકોટ LCBની ટીમે ગણતરીના કલાકોમાં જ આ બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, રમેશ જાદવ નામના મૃતક યુવકને એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હોવાથી મહિલાના પતિએ જ પોતાના મિત્ર સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.

Source link