રાજકીય પ્રવેશની અટકળો વચ્ચે નરેશ પટેલની ભાજપ-કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, જાણો ખોડલધ

ખોડલધામ અધ્યક્ષ (Khodaldham Chairman) નરેશ પટેલના (Naresh Patel) રાજકીય પ્રવેશની અટકળો વચ્ચે ધોરાજીમાં ખાનગી સ્કૂલના ઉદ્દઘાટન સમારોહમાં નરેશ પટેલ તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. કાર્યક્રમમાં નરેશ પટેલ સાથે ભાજપના સાંસદ (BJP MP) રમેશ ધડૂક, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya), જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા.

આ ચારેય આગવાનોએ ખાનગીમાં બેઠક પણ યોજી. બેઠકમાં આગેવાનો વચ્ચે શું ચર્ચા થઇ તે હજુ જાણી શકાયું નથી. જો કે તમામ આગેવાનો આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે. પરંતુ આ બેઠકને લઇને રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ નરેશ પટેલે જણાવ્યું કે મારી વિવિધ પાર્ટીમાં જોડાવાની વાતો ચાલી રહી છે પરંતુ મેં હજુ સુધી રાજકારણમાં જોડાવા અંગે કોઇ નિર્ણય કર્યો નથી. સમય આવ્યે એટલે હું મારો નિર્ણય જાહેર કરીશ તેમ નરેશ પટેલે જણાવ્યું.

નરેશ પટેલને રાજકારણમાં ન જોડાવું જોઈએ તેમ લોકોનું માનવું છે :

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને રાજનીતિ ગરમાઇ છે. ત્યારે ખોડલધામની પોલિટિકલ સમિતિના સર્વેની કામગીરી અંત તરફ છે. નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઇએ તેવો મહત્તમ સૂર સર્વેમાં ઉઠ્યો છે. એપ્રિલના અંત સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે તેમ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો પ્રબળ બની રહી છે. જો કે કોંગ્રેસ ઉપરાંત ભાજપ અને આમ આદમી પાર્ટી એમ તમામ પક્ષોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જો કે તાજેતરમાં દિલ્હીની મુલાકાત લીધા બાદ નરેશ પટેલે પોતે આ મુદ્દે 15 મે સુધીમાં જાહેરાત કરશે તેમ જણાવ્યું છે.

ગતરોજ કોંગ્રેસના નેતાઓ સાથે થઈ હતી મુલાકાત :

ખોડલધામ – કાગવડ ખાતે રાજકીય આગેવાનોની મુલાકાતનો દોર વધી રહ્યો છે. રવિવારે પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા સહિતનાં કેટલાક કોંગી આગેવાનોએ ખોડલધામ ચેરમન નરેશ પટેલ સાથે મુલાકાત કરી તેમના રાજકીય પ્રવેશનાં મુદે ચર્ચા કરી હતી. દરમિયાન સોમવારે ખોડલધામ ટ્રસ્ટની એક બેઠક રાજકોટ ખાતે મળી રહી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ કેટલાક કોંગી આગેવાનો સાથે ખોડલધામ ખાતે નરેશ પટેલને મળ્યા હતા. જો કે ખોડલધામનાં ટ્રસ્ટીઓએ આ બેઠકને રુટીન ગણાવી હતી. ખોડલધામનાં ટ્રસ્ટીઓની એક બેઠક સોમવારે અને ખોડલધામ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ સાથેની એક મહત્વની બેઠક બુધવારે કાગવડ સંસ્થા ખાતે મળી રહી છે. બુધવારની બેઠકમાં ચેરમેનનાં રાજકીય પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નરેશ પટેલ અને સોનિયા ગાંધી વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી. નરેશ પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરી શકે છે.

Source link