રાજકારણમાં જોડાવા અંગે ‘માર્ચ એન્ડ’ની વાત કરી પાટીદાર નેતા નરેશ પટેલે સસ્પેન્સ વધાર્યું!

 

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણમાં જોડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. આજે મીડિયા સાથે વાત કરતા નરેશ પટેલે કહ્યું હતું કે, જે પણ રાજકીય પક્ષોએ તેમને આમંત્રણ આપ્યું છે તેનો તેઓ આભાર માને છે, પરંતુ હાલ તેમની રાજકારણમાં જોડાવાની કોઈ ગણતરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો સમાજના લોકો તેમને આ અંગે કહેશે તો તેઓ ચોક્કસ રાજકારણમાં જોડાશે. જોકે, પોતે કઈ પાર્ટીમાં ક્યારે જોડાશે તે અંગે યોગ્ય સમયે જાણ કરશે.

નરેશ પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસ અને આપ પહેલા ભાજપે પણ તેમને પક્ષમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે દિલ્હી પ્રવાસ અંગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો વ્યવસાયિક પ્રવાસ હતો અને તેનું આયોજન છેલ્લી ઘડીએ થયું હતું. દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે કોઈ રાજકીય મુલાકાત ના કરી હોવાનો પણ દાવો કર્યો હતો. પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચાશે પછી જ રાજકારણમાં જોડાશો કે કેમ તેવા સવાલના જવાબમાં પટેલે જણાવ્યું હતું કે, આવી કોઈ વાત નથી પરંતુ તેમણે દરેક સમાજના લોકો સામે થયેલા કેસો પાછા ખેંચવા રજૂઆત કરી છે, અને તેના પર સરકાર એક્શન પણ લઈ રહી છે.

માર્ચના અંત સુધીમાં પોતે રાજકારણમાં જવું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરશે તેવું કહેતા નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજનું કલ્યાણ થાય અને પોતાનો ક્યાંક ઉપયોગ થાય તો પોતાને ચોક્કસ રાજકારણમાં જવું જોઈએ. રાજકારણમાં જવું કે નહીં તે અંગે હાલ વિચાર ચાલી રહ્યો છે, અને સમાજે સ્પષ્ટ પણે આ અંગે કોઈ વાત નથી કરી. જો સમાજના લોકો એમ કહે કે રાજકારણમાં જવાની જરુર નથી તો પોતે અટકી જશે તેમ પણ તેમણે કહ્યું હતું. નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે, પોતે રાજકારણમાં જઈ મંત્રી બનવા નથી માગતા, પરંતુ લોકોના કામ થાય તે તેમના માટે મહત્વનું રહેશે.

હાલની સરકારમાં કામો થાય છે કે કેમ તે અંગે નરેશ પટેલે કહ્યું હતું કે, કામો લોકો સુધી પહોંચે છે પરંતુ તેમાં પણ વધુ વેગ આવે તેના માટે જો પોતાને રાજકારણમાં આવવાની જરુર પડે તો ચોક્કસ આ અંગે નિર્ણય લેશે. હવે જોવાનું એ રહે છે કે, પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે સ્પષ્ટ પણે હા કે ના પાડવાને બદલે સમાજ કહેશે તેમ કરીશ તેવા નરેશ પટેલ જો રાજકારણમાં જોડાય તો પણ સત્તા પક્ષ સાથે રહેશે કે પછી કોંગ્રેસ કે આપમાં જોડાશે તે જોવાનું રહેશે.

Source link