રશિયા પર યુક્રેનમાં જે થર્મોબૅરિક હથિયારોના ઉપયોગનો આરોપ મુકાયો છે તે શું છે? | Vacuum Bomb: What is the alleged use of thermobaric weapons in Ukraine by Russia?

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલામાં થર્મોબૅરિક બૉમ્બનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. થર્મોબૅરિક બૉમ્બને વૅક્યૂમ બૉમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વયુદ્ધમાં વિજયના 75 વર્ષની ઉજવણીમાં મૉસ્કોમાં યોજાયેલી સૈન્ય પરેડમાં થર્મોબૅરિક હથિયારો

આ બૉમ્બ શરૂઆતથી જ વિવાદિત રહ્યા છે, કારણ કે તે જ સાઇઝના અન્ય બૉમ્બની સરખામણીએ તેની અસર વધુ ઘાતકી છે અને તેની અસરના વિસ્તારમાં આવતા લોકો માટે ખૂબ જ ઘાતકી સાબિત થાય છે.

કઈ રીતે કામ કરે છે વૅક્યૂમ બૉમ્બ?

પ્રતીકાત્મક તસવીર

વૅક્યૂમ બૉમ્બને ઍરોસોલ બૉમ્બ તેમજ થર્મોબૅરિક બૉમ્બ પણ કહેવામાં આવે છે. તેમાં જ્વલનશીલ ઇંધણ માટે કન્ટેનર હોય છે અને એક વખત ટાર્ગેટ સુધી પહોંચ્યા બાદ તે એક પછી એક એમ બે બ્લાસ્ટ કરે છે.

આ બૉમ્બને રૉકેટ લૉન્ચર વડે અથવા તો પ્લેનમાંથી બૉમ્બની જેમ છોડી શકાય છે. જ્યારે તે ટાર્ગેટ પર પહોંચે છે ત્યારે પ્રથમ બ્લાસ્ટમાં એક નાનકડો બ્લાસ્ટ થાય છે અને તરત જ થતા બીજો બ્લાસ્ટ ખૂબ મોટો હોય છે.

આ બીજો બ્લાસ્ટ આસપાસની હવામાંથી ઓક્સિજનના વૅક્યૂમથી થાય છે. જે યોગ્ય રીતે સીલ ન કરી હોય તેવી ઇમારતો કે બંકરોને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

આ વૅક્યૂમ બૉમ્બ વિવિધ કાર્યો માટે વાપરવામાં આવે છે અને ગ્રૅનેડથી લઈને રૉકેટ લૉન્ચર સુધીની જુદી જુદી સાઇઝનાં હથિયારો માટે ઉપલબ્ધ છે.

અત્યાર સુધી મોટી થર્મોબૅરિક મિસાઇલો પણ ડિઝાઇન કરવામાં આવી છે, જે ગુફાઓ કે બંકરોમાં સંતાયેલા લોકો પર હુમલો કરવા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે.

થર્મોબૅરિક બૉમ્બની સૌથી ઘાતકી અસર બંધ જગ્યાઓ પર જોવા મળે છે.

વર્ષ 2007માં રશિયાએ સૌથી મોટા થર્મોબૅરિક હથિયારનું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. આ હથિયારે આશરે 44 ટનના સામાન્ય બૉમ્બ જેટલો મોટો વિસ્ફોટ કર્યો હતો, જે વિશ્વમાં અત્યાર સુધી સૌથી મોટો બિન-પરમાણુ વિસ્ફોટ હતો.

આ પ્રકારની ઘાતકી તીવ્રતાના કારણે તેની ઉપયોગિતા બિલ્ડિંગ અથવા તો બંકરમાં સંતાયેલા લોકો સામે કરવામાં આવે છે. આ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ મોટા ભાગે શહેરી વિસ્તારોમાં જ કરવામાં આવે છે.

શું યુક્રેનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે?

અમેરિકામાં યુક્રેનના રાજદૂત ઓક્સાના મારાકોવાએ આરોપ લગાવ્યો હતો કે રશિયાએ હુમલા દરમિયાન વૅક્યૂમ બૉમ્બનો ઉપયોગ કર્યો છે.

જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનમાં વિવિધ જગ્યાઓએ થર્મોબૅરિક રૉકેટ લૉન્ચર્સની હાજરી જોવા મળી છે.

વૅક્યૂમ બૉમ્બના ઉપયોગ માટે નિયમો શું છે?

મૉસ્કો ખાતે યોજાયેલા ડિફૅન્સ ઍક્ઝિબિશનમાં રશિયન આર્મીના થર્મોબૅરિક રૉકેટ લૉન્ચર

વૅક્યૂમ અથવા તો થર્મોબૅરિક બૉમ્બના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ચોક્કસ પ્રતિબંધ નથી પરંતુ જો તેનો ઉપયોગ રહેણાક વિસ્તારો, શાળાઓ તેમજ હૉસ્પિટલો પર કરવામાં આવે તો તેને હૉગ કન્વેન્શન અંતર્ગત યુદ્ધ અપરાધ ઠેરવવામાં આવે છે.

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વકીલ કરીમ ખાને કહ્યું કે કોર્ટ યુક્રેનમાં થયેલા યુદ્ધ અપરાધો અંગે તપાસ કરશે.

આ પહેલા ક્યાં તેમનો ઉપયોગ થયો છે?

થર્મોબૅરિક હથિયારોનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધથી થતો આવ્યો છે. શરૂઆતમાં જર્મન આર્મી દ્વારા તેનો ઉપયોગ કરાયો હતો. 60ના દાયકામાં અમેરિકાએ વિયેતનામ યુદ્ધ વખતે તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું હતું.

અમેરિકાએ વર્ષ 2001માં અફઘાનિસ્તાનના ટોરા બોરા પહાડોમાં ગુફામાં સંતાયેલા અલ કાયદાના લડાકુઓને ઠાર મારવા આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો.

રશિયાએ વર્ષ 1999માં ચેચેન્યા વિરુદ્ધ આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેની વિશ્વભરમાં નિંદા થઈ હતી.

રશિયાનિર્મિત થર્મોબૅરિક હથિયારો સીરિયાના ગૃહયુદ્ધમાં પણ વપરાયાં હોવાનું જાણવા મળ્યું છે.

Source link