‘રંગહોત્ર-૪’ : સુરતના નાટ્યરસિકોના માનીતા મહોત્સવની આવતીકાલથી શરૂઆત, ચાર ભાષાની ઉત્તમ નાટ્યકૃતિ

 

‘રંગહોત્ર-૪’ : સુરતના નાટ્યરસિકોના માનીતા મહોત્સવની આવતીકાલથી શરૂઆત, ચાર ભાષાની ઉત્તમ નાટ્યકૃતિઓ નિ:શુલ્ક માણવા મળશે

સુરત : હોળીનો તહેવાર ઉજવી લીધા બાદ હવે સુરત નાટ્યરંગે રંગાવા જઈ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી સુરતીઓ માટે પોતીકા તહેવાર જેવો બની ગયેલો અવસર એટલે ‘રંગહોત્ર’ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી નિમિત્તે સુરત પરફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન(સ્પા) ફરી એક વાર રંગહોત્ર-4 લઈને આવી રહ્યું છે. કોરોના મહામારીને પ્રતાપે લાંબા સમયથી સૂના પડેલા સ્ટેજ અને નાટ્યરસિકોમાં આ મહોત્સવ નવા પ્રાણ ફૂંકશે. આ વર્ષે ‘રંગહોત્ર-4’ તારીખ 25, 26, 27 માર્ચે યોજાઈ રહ્યું છે. જે દરમિયાન સુરતીઓ 67 ઉપરાંત નાટ્યરચનાઓ માણશે.

આ છે રંગહોત્રનું શિડ્યુલ

આ વર્ષે રંગહોત્ર-4 ત્રણ દિવસ ચાલશે. તારીખ 25 માર્ચે સાંજે 8 થી 12, 26 માર્ચે સાંજે 4 થી રાત્રે 12, 27 માર્ચ વિશ્વ રંગભૂમિના દિવસે બપોરે 12 થી રાત્રે 12 વાગ્યા સુધી અવિરત નાટકોની ભજવણી થશે. આ રંગભૂમિ ઉત્સવમાં સુરતના નાટ્યકારો દ્વારા 70 જેટલી કૃતિઓ ભજવાશે. જેમાં 250થી વધુ કલાકારો ભાગ લેશે. આ નાટકો ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી એવી ચાર ભાષાઓમાં ભજવાશે.

રંગહોત્રના નામે છે અનોખો રેકોર્ડ

સુરત પરફોર્મિંગ આર્ટીસ્ટ એસોસિએશન(સ્પા) દ્વારા રંગહોત્રની શરૂઆત વર્ષ 2018થી થઈ હતી. સતત ત્રણ વર્ષથી અવિરતપણે ચાલી આવતો આ મહોત્સવ આ વર્ષે ચોથી વખત ઇવેન્ટ યોજી રહ્યો છે. આ દરમિયાન રંગહોત્રને નામે અનોખા વિક્રમો નોંધાયા છે. પ્રથમ વર્ષે સતત 24 કલાક, બીજા વર્ષે 78 કલાક નાટક ભજવણી થઈ હતી. આ એક અનોખો વિક્રમ છે. ત્રીજા વર્ષે કોરોનાને લીધે જ્યાં આખી દુનિયા અટકી પડેલી, ત્યારેય રંગહોત્રનું ઓનલાઈન આયોજન થયેલું. વળી રંગહોત્રની વિશેષતા એ છે કે આ નાટ્યમહોત્સવમાં કોઈ પણ નાટ્યરસિક વિનામૂલ્યે નાટકો માણી શકે છે. દર્શકોની ભારે ભીડને ધ્યાન માં લઈને સ્ક્રીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ કોરોનાની તમામ ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

“કોઈ પણ પ્રકારની આર્થિક લેણદેણ વગર કલાઉત્સવ યોજાય છે” – કપિલદેવ શુક્લ (સ્પા પ્રમુખ)

કપિલદેવ શુક્લ સ્પાના પ્રમુખ અને રંગભૂમિ સાથે જોડાયેલા દિગ્ગજ કલાકારોમાંના એક છે. Sidhi Khabar દ્વારા કપિલદેવ શુક્લને પૂછવામાં આવ્યું કે, “સ્પા આયોજીત આ ઉત્સવને ગુજરાતના અન્ય કલાકારો અને નાટ્યકારો દ્વારા કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમનો પ્રતિસાદ કેવો મળે છે?” ત્યારે કપિલદેવે કહ્યું કે, “વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર આ બધી જગ્યાના જે કલાકારો છે એ બધા આપણા કામને એ રીતે જુએ છે કે અહીંના કલાકારો અને આયોજકો કોઈપણ પ્રકારની આર્થિક લેણદેણ વગર, કોઈ કલાકારો કે કોઈ આયોજકો પૈસા લેતા નથી કે પૈસા આપતા નથી એવી પરિસ્થિતિમાં માત્ર આવશ્યક ખર્ચો કે આર્થિક વ્યવસ્થા કરીને માત્રને માત્ર કલાપ્રવૃત્તિને જીવંત રાખવા અને અને તેણે ઉત્કૃષ્ટ દિશામાં આગળ ધપાવવાના હેતુથી જોડાયેલા રહે છે.”

“બે વર્ષથી મૂંઝાયેલો કલાકારો ફરી મોજમાં દેખાશે” – પંકજ પાઠકજી (સ્પા ઉપપ્રમુખ)

સ્પાના ઉપપ્રમુખ પંકજ પાઠકજીને સીધી ખબર સાથેની વાતચીતમાં પૂછવામાં આવ્યું કે, ” આજે બે વર્ષ બાદ રંગમંચના દરવાજા ફરી ઉઘડી રહ્યાં છે તો કલાકારોમાં કેવો માહોલ છે તેમજ પ્રેક્ષકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહો છે?” ત્યારે પાઠકજી કહે છે કે, “બે વર્ષ કોરોનાકાળને લીધે દુનિયાના તમામ થિયેટર બંધ થયાં હતાં તેથી કલાકારો સાચા અર્થમાં અકળાતા હતાં, મૂરજાતા હતા..કારણકે સાચા કલાકર માટે તો થિયેટર એજ શ્વાસ છે એટલે જ્યારે હવે સરકારે છૂટ આપી જ તો આ કલાઉત્સવને લઈને કલાકારો ફરી મોજમાં અને ઉત્સાહમાં છે. અને જો પ્રેક્ષકોની વાત કરીએ તો આગલા રંગહોત્ર સફળ રહ્યાં છે અને પ્રેક્ષકોનો તળવળાટ જોતાં આ વખતનું રંગહોત્ર પણ સફળ રીતે પર પડશે.”

Source link