યુવરાજસિંહને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા, રિમાન્ડ ના માગતા સાબરમતી જેલમાં મોકલી અપાયા

 

ગાંધીનગર: પેપરલીકના કૌભાંડોનો પર્દાફાશ કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કર્યા બાદ તેમને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ વિરુદ્ધ કલમ 307 અને 332 હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, પોલીસે તેમના રિમાન્ડની માગણી ના કરતા તેમને સાબરમતી સેન્ટ્રલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આજે યુવરાજસિંહને પાછલા દરવાજેથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે ગુનો દાખલ કરીને યુવરાજસિંહ ઉપરાંત અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટમાં રિમાન્ડની માગણી ના કરતા તેમને સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોકલી અપાયા છે.

યુવરાજસિંહ હાલ ગાંધીનગરમાં સરકાર સામે દેખાવો કરી રહેલા વિદ્યા સહાયકોને મળવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવાએ તેમની કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવરાજસિંહે ગાડી કોન્સ્ટેબલ પર ચઢાવી દેતા તેઓ બોનેટની ઉપર લટકી ગયા હતા. આ ઘટનાની થોડી જ સેકન્ડોમાં કાર ઉભી રહી ગઈ હતી. વળી, આ ઘટનાનો વિડીયો યુવરાજસિંહની જ કારમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો હતો, જેને પણ પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવાએ આ મામલે ન્યૂઝ ચેનલ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પોલીસની સાથે ઝપાઝપી થયા બાદ યુવરાજસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ તેમની ગાડીમાં બેસી ગયા હતા, અને તે વખતે પોલીસે તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવરાજે ગાડી ભગાવી દીધી હતી, અને તે વખતે પોતે બોનેટ પકડી તેના પર લટકી ગયા હતા.

પોલીસે યુવરાજની ગાડીના કેમેરામાં રેકોર્ડ થયેલા વિડીયો ઉપરાંત પોલીસ સાથે થયેલી ઝપાઝપીનો વિડીયો પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે યુવરાજસિંહ પર વિદ્યા સહાયકોને ભડકાવવાનો પણ આરોપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી ઉપરાંત અન્ય સરકારી વિભાગો દ્વારા તાજેતરમાં લેવાયેલી કેટલીક પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તેમજ પેપર લીક થયું હોવાની ઘટના પર સનસનીખેજ ખુલાસા કર્યા હતા. યુવરાજસિંહે પરીક્ષાઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગેના પુરાવા પણ જાહેર કર્યા હતા. જેના પછી સરકારે કેટલીક પરીક્ષાઓ રદ્દ કરવાની પણ ફરજ પડી હતી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ બાદ ટ્વીટર પર પણ તેમને મુક્ત કરવાની માગ સાથે #ReleaseYuvrajsinh અને #Yuvrajsinhjadeja જેવા હેશટેગ સાથે અનેક ટ્વીટ કરવામાં આવી રહી છે. વળી, હાલ તો #SupportYuvrajsinh જેવા હેશટેગ પણ ટ્રેન્ડિંગ છે. પોતાની ધરપકડ થઈ તે પહેલા યુવરાજસિંહે ટ્વીટર પર જણાવ્યું હતું કે તેમની પાછળ ટ્રોલ આર્મીને લગાવી દેવામાં આવી છે, અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પણ હેક કરાયા છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં તેઓ જે મકાનમાં રહે છે તેને પણ દબાણપૂર્વક ખાલી કરાવી દેવાયું છે.

Source link