મોંઘવારીમાં બચતનો પ્રયાસ! દાહોદ સુધી પેટ્રોલ-ડીઝલ પૂરાવવા આવી રહ્યા છે મધ્યપ્રદેશના વાહનચાલકો!

 

વડોદરા- અત્યારે ચારેબાજુ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની ચર્ચા ચાલી રહી છે. સામાન્યપણે જ્યારે ભાવ વધવાનો હોય તેના એક દિવસ પહેલા પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળતી હોય છે, પરંતુ દાહોદના પેટ્રોલ પંપ પર અત્યારે મોટો ધસારો જોવા મળી રહ્યો છે. અને આની પાછળનું કારણ ગુજરાત નહીં પણ મધ્યપ્રદેશના વાહનચાલકો છે. દાહોદના પેટ્રોલ પંપ પર અત્યારે તમને મોટી સંખ્યામાં મધ્યપ્રદેશના રજિસ્ટ્રેશન વાળા વાહનો જોવા મળી શકે છે. ત્યાંના લોકો અહીં સુધી ઈંધણ પૂરાવવા આવતા હોવાનું કારણ બે રાજ્યોના ભાવ વચ્ચેનો તફાવત છે. મધ્યપ્રદેશના ડ્રાઈવર જો અહીંયા ઈંધણ માટે આવે છે તો પેટ્રોલ પર પ્રતિ લીટર 13 રુપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર બે રુપિયા બચત થઈ શકે છે. આ જ કારણોસર તેઓ વધારે અંતર કાપીને પણ અહીં આવવાનું પસંદ કરે છે.

ગુજરાતની સરહદ પાસે આવેલા મધ્યપ્રદેશના વિસ્તારોમાં અત્યારે પેટ્રોલની કિંમત 119 રુપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 102 રુપિયા પ્રતિ લીટર છે. તેની સરખામણીમાં દાહોદમાં અત્યારે પેટ્રોલની કિંમત 106 રુપિયા પ્રતિ લીટર છે અને ડીઝલનો ભાવ 100.5 રુપિયા પ્રતિ લીટર છે. મધ્યપ્રદેશમાં ગુજરાત બોર્ડર પાસે આવેલા પિતોલમાં સ્થિત એક પેટ્રોલ પંપના સંચાલક હુસૈન પિતોલવાલા જણાવે છે કે તેમનો વેપાર આ કારણે ઘણો પ્રભાવિત થયો છે.

Source link