મૃત્યુઆંક છૂપાવ્યો! ગુજરાતમાં કોરોનાથી મોતને ભેટેલા 1,07,000ને સહાય ચૂકવાઈ!

 

ગાંધીનગર: રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામનારા 10116 નહીં પરંતુ 1 લાખથી વધુને સહાય ચૂકવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાના મૃતકોના આંકડા છૂંપાવ્યા હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર તેના નિશ્ચિત બજેટ ઉપરાંત ખર્ચાની રકમની મંજૂરી માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં પૂરક માગણીઓ પરની ચર્ચામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને ચૂકવવા માટે 585 કરોડની વધારાની માંગણી ગૃહમાં રજૂ કરી છે. જેથી કોરોનાના મૃતકોના આંકડા છૂપાવવા બદલ સરકાર લોકોની માફી માંગે અને વળતર 50 હજારને બદલે 4 લાખ કરવામાં આવે.

શૈલેષ પરમારના વધુમાં જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગમાં કુદરતી આફતો અંગે ગત બજેટમાં માત્ર 15 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં આવેલી કુદરતી આપતો દરમિયાન સરકારે જે વધારાનો ખર્ચ કર્યો હતો અને તેની મંજૂરી માટે સરકારે વિધાનસબા ગૃહમાં આ પૂરક માંગણીઓ કરી હતી. જેમાં એક માગણી 585 કરોડના કરાયેલા વધારાના ખર્ચની છે. જે સરકારના કહેવા પ્રમાણે કોરોના કાળ દરમિયાન 10119 પરિવારોમાં વહેચવાના હતા. રાજ્ય સરકારે દરેક વખતે કોંગ્રેસને પૂછે છે કે, તમારી કોંગ્રેસની સરકારે શું કર્યું? ત્યારે ગુજરાતની સરકારે દેશના ગુજરાતી વડાપ્રધાનને કોરોનામાં મૃત્યુ પામેલા ગુજરાતીઓના પરિવારજનોની ચિંતા કરવા માટે કોઈ પત્ર લખ્યો છે ખરો?

ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા કોંગ્રેસના શૈલેષ પરમારે વધુમાં કહ્યું કે, જ્યારે કોરોનાનો કાળ હતો ત્યારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી, એમ્બ્યુલન્સ લાઈનોમાં રહેતી હતી. લોકો રોડ પર મરી રહ્યા હતા, દવા-ઈન્જેક્શન, ઓક્સિજન નહીં, સ્મશાન ગૃહોમાં લોખંડની ભઠ્ઠીઓ પણ પીગળીને ખાખ થઈ ગઈ હતી અને લાકડાઓ પણ ખૂટી પડ્યા હતા. તેમ છતાંય સરકાર કહી રહી છે કે, માત્ર 10719 લોકોના જ મોત થયા છે. પરંતુ ખરેખર રાજ્ય સરકારે કોરોનાના મૃતકોના આંકડા છૂપાવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Source link