મૂવી રિવ્યૂ- KGF: Chapter 2

 

એક્ટર– યશ, સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવીના ટંડન, પ્રકાશ રાજ
ડાયરેક્ટર– પ્રશાંત નીલ
ભાષા– હિન્દી, કન્નડ, મલયાલમ, તેલુગુ, તમિલ
સમય– 2 કલાક 48 મિનિટ
રેટિંગ– 4/5

કન્નડ સ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ- ચેપ્ટર 1’ રિલીઝ થઈ ત્યારથી જ તેની દિવાનગીમાં ઉમેરો થયો હતો. અત્યાર સુધી સાઉથના દર્શકોમાં લોકપ્રિય યશ આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થતાં ભારત અને વિદેશમાં પણ પોતાના ચાહકો ઊભા કરવામાં સક્ષમ રહ્યો હતો. KGF રિલીઝ થયા બાદથી જ ફેન્સ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. આખરે બીજો ભાગ 14 એપ્રિલે રિલીઝ થયો છે. ફિલ્મી સ્ટાઈલના એક્શન, ભારેભરખમ સ્ટંટ અને ડાયલોગબાજીને માણવા માગતા હોય તો KGF: Chapter 2 અચૂકથી જોવે.

વાર્તા

રાજા ક્રિષ્નાપ્પા બૈર્યા ઉર્ફે રોકીભાઈ અધીરાની હત્યા બાદ KGFનો શાસક બની જાય છે. તે દુનિયા પર રાજ કરવાનું નક્કી કરે છે ત્યારે અધીરા અને રામિકા સેનના રૂપે તેને કદાવર દુશ્મનો મળે છે. શું તે તેની ‘દુનિયા’ બનાવી શકશે?

રિવ્યૂ

KGF: Chapter 1 દ્વારા જ સ્ટાઈલિશ અને ખૂંખાર ગેંગસ્ટર તરીકે જ યશ છાપ છોડી જાય છે. ફિલ્મના પહેલા ભાગમાં રાજા ક્રિષ્નાપ્પા બૈર્યા ઉર્ફે રોકીભાઈના મનસૂબા શું છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે. ફિલ્મના બીજા ભાગની પ્રમોશનલ ઈવેન્ટ્સમાં આગળ શું થવાનું છે તેની ઝલક બતાવવામાં આવી છે અને તેના થકી જ ખાસ્સી હાઈપ ઊભી થઈ છે. ફિલ્મને લઈને જે ઉત્સાહનો માહોલ બન્યો હતો તેવું શું ખરેખર સાકાર થાય છે? શું ફિલ્મ સારી સિક્વલ સાબિત થઈ છે અને દર્શકો માટે રસપ્રદ સરપ્રાઈઝ લઈને આવી છે?

આનંદ ઈન્ગાલ્ગીના દીકરા વિજયેન્દ્ર ઈન્ગાઅલગી દ્વારા ફિલ્મની શરૂઆત થાય છે. તેમણે ફિલ્મના નરેશનની કમાન સંભાળી છે. રોકીએ કેજીએફના લોકોનું દિલ જીતી લીધું છે. હવે તે મોટા સપનાં જોઈ રહ્યો છે અને જોખમી રસ્તે આગળ વધી રહ્યો છે. આ પ્રક્રિયામાં જ તેનો સામનો અધીરા સાથે જાય છે. જે વાઈકિંગ્સથી પ્રેરિત છે અને ડર પેદા કરવામાં માને છે. તે કેજીએફ પાછું હાંસલ કરવા માગે છે. આ જ રીતે તેની મુલાકાત વડાપ્રધાન રમણિકા સેન સાથે થાય છે અને તેઓ પણ રોકીને તોડી પાડવા માગે છે.

સફળતાના શિખરો સર કરવાની રોકીની જર્નીને ફિલ્મમાં ઝડપથી બતાવવામાં આવે છે. પહેલા ભાગની જેમ બીજા ભાગમાં પણ અંધારામય, નિરાજનક પરંતુ સ્ટાઈલિશ દુનિયા દેખાડવામાં આવી છે. પહેલા ભાગમાં ફિલ્મનો અસલી હીરો કોણ છે તે જણાવવામાં અને તેને સ્થાપિત કરવામાં વધુ સમય લેવામાં આવ્યો છે પરંતુ બીજો ભાગ થોડો ઝડપી છે અને એક બાદ એક પાત્રોનો ઉમેરો થતો જાય છે. તેમની વચ્ચેના વિખવાદ અને ઝઘડા આ વખતે વધુ રસપ્રદ રીતે દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મમાં રોકીના લાગણીસભર પાસાને પણ દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રોકીની લવસ્ટોરી છે ઉપરાંત તેના ભૂતકાળમાં પણ ડોકિયું કરાવવામાં આવ્યું છે. તેનો આ ભૂતકાળ જ મહત્વાકાંક્ષા સર કરવાનું મોટું ચાલકબળ છે. લવસ્ટોરી પણ ફિલ્મમાં ભળી જાય છે અને મુખ્ય વાર્તાને ભટકાવતી નથી. ફિલ્મના સૌથી સારા શોટ પૈકીના એકમાંથી કોઈ હોય તો એ છે અધીરાની એન્ટ્રી. આ રોલ સંજય દત્તે ભજવ્યો છે. સ્ક્રીન પર સંજય દત્ત જાદુ પાથરે છે અને જોઈને સીટી મારવાની ઈચ્છા થાય તેવી એન્ટ્રી છે. રવિના ટંડને વડાંપ્રધાનનું પાત્ર સારી રીતે નિભાવ્યું છે. ફિલ્મનું વધુ એક રસપ્રદ પાત્ર છે CBI ઓફિસરનું જે રાવ રમેશે ભજવ્યું છે. પ્રકાશ રાજ પોતાના અવાજ દ્વારા ફિલ્મના નરેશનને રસપ્રદ બનાવે છે અને તેને માણવા લાયક પણ.

ફિલ્મ જેટલી યશની છે તેટલી જ ડાયરેક્ટર પ્રશાંત નીલની છે. બંને સાથે મળીને પહેલા ભાગ કરતાં પણ વધુ સારી સિક્વલ આપી શકવામાં સફળ રહ્યા છે. જોકે, પ્રશાંત હંમેશાથી કહેતા આવ્યા છે કે, જ્યારે તેમણે ફિલ્મને બે ભાગમાં બનાવવાનો નિર્ણય કર્યો ત્યારથી જ નક્કી હતું કે મૂળ વાર્તાનો મોટાભાગનો હિસ્સો બીજા ભાગમાં આવશે.

જો તમને ફિલ્મી એક્શનથી ભરપૂર, ભારે સ્ટન્ટ અને જોરદાર ડાયલોગ્સ સાંભળવા ગમતા હોય તો આ ફિલ્મ તમારા માટે જ છે. જોકે, હિંસાને પસંદ ના કરતાં અને વિના કારણની હિંસા સામે સવાલ ઉઠાવતાં દર્શકવર્ગ માટે આ ફિલ્મ નથી. જેમને આવી ફિલ્મો ગમે છે તેમના માટે એક હિન્ટ પણ છે કે કદાચ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે માટે છેક સુધી ફિલ્મને જોજો.

Source link