મૂવી રિવ્યૂ: Jhund Amitabh bachchan | Dlight News

 

એક્ટર– અમિતાભ બચ્ચન, રિંકૂ રાજગુરુ, આકાશ ઠોસર, ગણેશ દેશમુખ, અભિનય રાજ સિંહ
ડાયરેક્ટર– નાગરાજ પોપટરાવ મંજુલે
શ્રેણી– હિન્દી, સ્પોર્ટ્સ, ડ્રામા, બાયોગ્રાફી
રેટિંગ– 3.5/5

‘પિસ્તુલ્યા’ અને ‘સૈરાટ’ જેવી ફિલ્મો માટે નેશનલ અવોર્ડ જીતી ચૂકેલા નિર્દેશક નાગરાજ મંજુલેએ ઘણાં વર્ષોની મહેનત બાદ અસલ જિંદગીના ‘મહાનાયક’ની વાર્તાને પડદા પર રજૂ કરી છે. આ વાર્તા નાગપુરના રહેવાસી અને રિટાયર્ડ સ્પોર્ટ્સ ટીચર વિજય બરસેની છે. જેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત અને ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. આ ‘મહાનાયક’ની વાર્તાને પડદા પર સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને સાકાર કરી છે. બે વર્ષ સુધી નાગરાજ મંજુલેએ આ સ્ક્રીપ્ટ પર કામ કર્યું, રિસર્ચ કર્યું અને વિજય બરસેના જીવનની જાણકારી ભેગી કરીને ‘ઝુંડ’ બનાવી છે. આ ફિલ્મ પ્રેરણા આપે છે ઉપરાંત સમાજની કડવી વાસ્તવિકતાને પણ દર્શાવે છે.

અભિતાભ બચ્ચનની Jhund જોઈને ભાવુક થઈ ગયો આમિર ખાન, દીકરાની સ્ટારકાસ્ટ સાથે કરાવી મુલાકાત

વાર્તા

ફિલ્મની શરૂઆત ઝૂંપડપટ્ટીની ગંદી ગલીઓ અને દારુના નશામાં ચૂર રહેતા યુવકોથી થાય છે. એક દિવસ વિજય બોરાડે (Amitabh Bachchan) ઝૂંપડપટ્ટીના બાળકોને ગ્રાઉન્ડમાં ડબ્બાથી ફૂટબોલ રમતાં જુએ છે અને તેમની પ્રતિભાને ઓળખે છે. શરૂઆતમાં વિજય બોરાડે રૂપિયા આપીને આ બાળકોને રમવા માટે તૈયાર કરે છે અને ધીમે-ધીમે શિક્ષણ અને પ્રેમથી આ બાળકોની જિંદગી બદલી નાખી. વિજયની આ અસલી વાર્તા, સંઘર્ષ અને મહેનતને નિર્દેશકે પોતાની ફિલ્મમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

‘દિવાલ કૂદવાની સખત મનાઈ છે’, સ્પોર્ટ્સ કોલેજની દિવાલ પર લખેલા આ વાક્યનો ભાવ અને વાસ્તવિકતાનું ફિલ્માંકન પૂરી ઈમાનદારી સાથે કરવામાં આવ્યું છે. દિવાલની એક તરફ કોલેજ અને બીજી તરફ ઝૂંપડપટ્ટી છે. આ દિવાલ ફિલ્મમાં ઘણાં પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાઈ છે. ભારતના બે સમાજને અલગ કરે છે અને દોષ-પ્રતિદોષ પણ દર્શાવે છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતા દલિત પરિવારો અને યુવાનોની હકીકત બેચેન કરી મૂકનારી છે. આ દ્રશ્યો ફિલ્મને જીવંત બનાવે છે. આ સાથે જ અમિતાભ બચ્ચનની દમદાર એક્ટિંગ પણ ફિલ્મમાં પ્રાણ ફૂંકે છે. એક તરફ ગરીબ અને દલિતોની સ્થિતિને જોઈને દિલ રડી ઉઠે છે તો વચ્ચે-વચ્ચે આ ફિલ્મ દર્શકોને રમૂજી દ્રશ્યો પણ બતાવે છે. અઢી કલાકથી વધુ લાંબી આ ફિલ્મને થોડી ટૂંકી કરાઈ હોત તો સચોટ સાબિત થાત.

નિર્દેશન

ફર્સ્ટ હાફમાં ફિલ્મ હળવો પ્રભાવ છોડે છે અને સેકન્ડ હાફમાં ગતિ પકડે છે અને મુદ્દેને મજબૂતી સાથે ઉઠાવીને દર્શકોને કનેક્ટ કરે છે. આ ફિલ્મથી ખૂબ આશા હતી જેનું કારણ છે નાગરાજ પોપટરાવ મંજુલેનું નિર્દેશન. આ ફિલ્મનો વિષય જબરદસ્ત છે પરંતુ નિર્દેશક આ વખતે દર્શકોની આશા પર ખરા નથી ઉતર્યા. નાગાજર મંજુલેએ આ ફિલ્મની વાર્તા, પટકથા, સંવાદ અને નિર્દેશનનું કામ સંભાળ્યું છે પરંતુ સંવાદ નબળા હોવાથી કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં બિગ બી પોતાના દમદાર અવાદ અને જબરદસ્ત એક્સપ્રેશન્સ સાથે સ્પીચ આપે છે પરંતુ ડાયલોગમાં દમ ના હોવાથી તેમની મહેનત વ્યર્થ લાગે છે.

અભિનય

દર્શકોએ અમિતાભ બચ્ચનના ‘વિજય દીનાનાથ ચૌહાણ’વાળા કાલ્પનિક ડાયલોગ અને પાત્રને ખૂબ પસંદ કર્યું હતું. પરંતુ આ વખતે તેઓ સમાજના રિયલ હીરો ‘વિજય બરસે’ના રોલમાં છે. એક સ્પોર્ટ્સ ટીચર અને કોચના રૂપમાં બિગ બી જામી રહ્યા છે. અમિતાભ બચ્ચન સિવાય ફિલ્મની જવાબદારી તેમના ‘ઝુંડ’ના ખભે હતી. એ બાળકોએ પણ પોતાના ફાળે આવેલા પાત્રો સારી રીતે ભજવ્યા છે. તેઓ ફિલ્મની જાન છે. બાબુથી લઈને અંકુશ (ડોન) સહિત બધા છોકરાઓએ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના પાત્રને બખૂબી નિભાવ્યા છે. ફિલ્મમાં વિજય બરસેના પરિવારને પણ બતાવાયો છે પરંતુ ખાસ મહત્વ નથી અપાયું.

ટેક્નિકલ પક્ષ

ફિલ્મનો નબળો ભાગ તેની પટકથા લાગે છે. ફિલ્મના લેખનને જો વધુ સારું કરવામાં આવ્યું હોત તો એવરેજથી ઉપરની ગણી શકાત. ફિલ્મના સંવાદને દમદાર બનાવવાની કોશિશ કરાઈ છે. ભારે-ભારે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ તે બંધબેસતા લાગતા નથી. ‘સૈરાટ’ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી કરી ચૂકેલા સુધાકર રેડ્ડી યકાંતીએ આ ફિલ્મમાં પણ કામ સંભાળ્યું છે, તેમણે પોતાના તરફથી ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં એકલ-દોકલ ગીતો છે જે ખાસ છાપ નથી છોડતાં.

કેમ જોવી?

NGO સ્લમ સોકરના ફાઉન્ડર વિજય બરસેની આખી જર્ની તમે માત્ર અઢી કલાકમાં સરળતાથી જાણી શકો છો. નોલેજની દ્રષ્ટિએ ફિલ્મ નિરાશ નહીં કરે. તમે અમિતાભ બચ્ચનના ફેન હો તો ચોક્કસથી આ ફિલ્મ જોવી જોઈએ કારણકે તેમણે ભજવેલા શાનદાર પાત્રોમાંથી આ પણ એક છે. આ ફિલ્મમાં એક જ ખોટ છે કે વિષય જેટલો શાનદાર છે તેટલો અદ્ભૂત રીતે ફિલ્મી પડદે ઉતારી શકાયો નથી.

Source link