મૂવી રિવ્યૂ- Gehraiyaan, દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની દમદાર એક્ટિંગ ફિલ્મનો ‘હીરો’

 

એક્ટર– દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કારવા, નસીરુદ્દીન શાહ, રજત કપૂર
ડાયરેક્ટર– શકુન બત્રા
શ્રેણી– હિન્દી, ડ્રામા, રોમેન્સ
સમય– 2 કલાક 28 મિનિટ
રેટિંગ– 3.5/5

વાર્તા

સમુદ્રના ઉછળતાં મોજાં અને આપણા જીવનમાં આવતાં લાગણીઓના પ્રવાહ વચ્ચે ઘણી સામ્યતા રહેલી છે. સમુદ્રની લહેરો જેમ એક પછી એક આવતી રહે છે તેમ ઘણીવારમાં જીવનમાં એકરસતા આવી જાય છે. સમુદ્રની લહેરોમાં એક અશાંતિ હોય છે અને આપણને પલાળીને જાય છે. ‘ગહેરાઈયાં’ (Gehraiyaan) ફિલ્મના પાત્રો દ્વારા અસલ જિંદગીના સંબંધોમાં આવતી આવી જ મૂંઝવણો અને લાગણીઓના પ્રવાહને દર્શાવવાની કોશિશ કરવામાં આવી છે. અલીશા (Deepika Padukone) અને ઝૈનૃ (Siddhant Chaturvedi)ને એકબીજાનો સંગાથ ગમે છે. પરંતુ તેમનો સંબંધના તાંતણા અંદર-અંદર ગૂંચવાયેલા છે. તેમને એકબીજાની સાથે આરામ, સુખ મળે છે અને સાથે જ એક બેચેની પણ રહે છે. તેઓ એકબીજાની પીડાની દવા પણ છે.

 

રિવ્યૂ

અલીશા યોગ ઈન્સ્ટ્રક્ટર છે અને ઝૈન રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. પહેલી મુલાકાતમાં જ બંને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. બંને સમયની સાથે આ નવા સંબંધમાં ડૂબકીઓ લગાવે છે. પરંતુ ભાવનાથી ઉપર એક અસલી દુનિયા છે જ્યાં તેમના સંબંધની અલગ જ હકીકત છે. અલીશાની કઝિન ટિયા (Ananya Pandey) સાથે ઝૈનની સગાઈ થઈ છે. અલીશા પણ છ વર્ષથી કરણ (Dhiarya Karwa) સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહે છે. અલીશા અને ઝૈનના સંબંધની હકીકત વણઉકેલી પહેલી જેવો છે અને લપસી પડાય તેવા રસ્તે આગળ વધે છે. પરંતુ શું તેમનો રોમાન્સ આ લપસણી રાહને પાર કરી શકશે? ‘ગહેરાઈયાં’ આજના જમાનાના સંબંધોને દર્શાવે છે.

સંબંધમાં કોઈ બેવફાઈ ક્યારે અને કેમ કરે છે? ડાયરેક્ટર શકુન બત્રા ફિલ્મ ‘ગહેરાઈયાં’માં સંબંધોની ઉપલી સપાટી વિશે વાત નથી કરતાં તેઓ તેના ઊંડાણમાં ઉતર્યા છે. આ પ્રકારની ફિલ્મો હિન્દી સિનેમામાં ખૂબ ઓછી બની છે. ફિલ્મ સ્પષ્ટપણે વુડી એલનની સાઈકોલોજીકલ થ્રિલર ફિલ્મ ‘મેચ પોઈન્ટ’ (2005)થી પ્રેરિત છે. ડાયરેક્ટર શકુન બત્રાએ ફિલ્મમાં માત્ર ઈન્ટીમસી એ રીતે દર્શાવી છે કે તમે ફિલ્મમાં શારીરિક પ્રેમ કરતાં વધુ કંઈક શોધવા મથો છો. કલ્પના કરો કે, તમે જેને પ્રેમ કરો છો તે તમારી સામે ભાવનાત્મક દ્રષ્ટિએ નગ્ન થઈ જાય તો? તમારી આ નબળાઈ પર સમાજ તમને પશ્ચાતાપ કરવા મજબૂર કરે છે? ફિલ્મમાં આ મુદ્દો પણ દર્શાવાયો છે.

અલીશાના વર્તમાન અને ભૂતકાળ બંનેમાં ચિંતા અને પરેશાની છે. બાળપણમાં જ તેણે અનેક મુશ્કેલીઓ જોઈ હતી. તેની માને સતાવનારા રાક્ષસોને તે આજ સુધી નથી ભૂલી શકી. પ્રેમને લઈને આપણી જે વિચારધારા છે તેના પર ક્યાંકને ક્યાંક આપણા માતાપિતાના સંબંધની અસર ચોક્કસ હોય છે. અલીશા સાથે પણ આવું જ છે. શકુન બત્રા પ્રેમ અને પરિવારના સંબંધોના લેયર પડદા પર અનફીલ્ટર કરીને દર્શાવી શક્યા છે. આની ઝલક ‘કપૂર એન્ડ સન્સ’માં પણ જોવા મળી હતી. તેઓ વ્યક્તિની જટિલ વર્તણૂકના દરેક પહેલુને પોતાની વાર્તામાં સ્થાન આપે છે. એ વાતોને પણ જગ્યા આપે છે જે ઘણીવાર ફિલ્મની વાર્તામાં સમાવવી મુશ્કેલ લાગે છે.

 

દીપિકા પાદુકોણે ફરી એકવાર છાપ છોડનારો અભિનય કર્યો છે. તે ઘણી જગ્યાએ આંખમાં આંખ નાખ્યા વિના ઘણું કહી જાય છે. સિદ્ધાંતે પણ પોતાના પાત્રને ભજવવામાં કસર નથી રાખી. તેના પાત્રના પણ ઘણાં લેયર્સ છે. બંનેના પર્ફોર્મન્સ વખાણવાલાયક છે. બંનેના દિલમાં લાગણીઓનું તોફાન છે પરંતુ ચહેરા પર નિરવ શાંતિ છે. આ ભાવને દીપિકા અને સિદ્ધાંતે ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. ફિલ્મની વાર્તા પ્રમાણે કાસ્ટિંગ આનાથી વધુ સારી થઈ જ ના શકી હોત. એવી વાર્તા છે જે સામાન્ય અને સહજ રીતે શરૂ થાય છે પરંતુ બાદમાં થ્રિલરનું રૂપ લે છે. એક ઊંડી, અંધારી દુનિયામાં લઈ જાય છે. ફિલ્મ ટાઈમ બોમ્બની જેમ આગળ વધે અને દર્શકોમાં પણ ડર રહે છે કે હવે આગળ શું થશે. ફિલ્મની થ્રિલને પડદા પર ઉતારવામાં સિનેમેટોગ્રાફી અને સાઉન્ડનું મોટું યોગદાન છે. ઘણા સીન એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જ્યાં અતિશય શાંતિ છે પરંતુ અંદર ખૂબ શોરબકોર છે.

જોકે, ફિલ્મમાં કંઈક એવું પણ છે જે ડંખે છે અને તે જ ફિલ્મની લંબાઈ. ફિલ્મ ઘણીવાર ખેંચવામાં આવી હોય તેવું લાગે છે. સેકન્ડ હાફમાં ફિલ્મ એવી રીતે આગળ વધે છે કે તમે વિચારે ચડી જાવ કે કઈ દિશામાં જઈ રહી છે. 2 કલાક અને 28 મિનિટ લાંબી આ ફિલ્મ ક્યારેક કંટાળજનક પણ લાગે છે, થકવી નાખે છે. જોકે, એકંદરે ફિલ્મમાં એવી ઘણી બાબતો છે જે દિલને સ્પર્શી જાય છે. જો તમે કંઈક અલગ જોવા માગતા હો તો ‘ગહેરાઈયાં’ નિરાશ નહીં કરે.

Source link