મૂવી રિવ્યૂ: Dasvi, અભણ નેતાના રોલમાં છે અભિષેક બચ્ચન, શિક્ષણનું મહત્વ સમજાવતી આ ફિલ્મ જોવાય કે નહીં

 

એક્ટર– અભિષેક બચ્ચન, યામી ગૌતમ, નિમ્રત કૌર
ડાયરેક્ટર– તુષાર જલોટા
શ્રેણી– હિન્દી, કોમેડી, ડ્રામા
સમય– 2 કલાક 7 મિનિટ
રેટિંગ– 2.5/5

વાર્તા

‘દસવીં’ (Dasvi)ની વાર્તા શરૂ થાય છે હરિત પ્રદેશ (કાલ્પનિક નામ)ના જાટ નેતા ગંગારામ ચૌધરી (અભિષેક બચ્ચન)થી, જેને શિક્ષક ભરતી ગોટાળામાં એસઆઈટીની તપાસ બાદ જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જેલમાં પહોંચ્યા પછી પણ ચૌધરી સાહેબના નખરાં ઓછા થતાં નથી. તેને સારું ભોજન, પથારી અને બે-ચાર ચમચા જોઈએ છે જે તેની સેવા કરતા રહે. પરંતુ જેલર જ્યોતિ (યામી ગૌતમ)ની એન્ટ્રી થતાં જ તેના ઠાઠમાઠ બંધ થઈ જાય છે. રફ એન્ડ ટફ જેલરની સામે નેતાજી મિંદડી બની જાય છે. બીજી તરફ ગંગારામ જેલમાં જતાં મુખ્યમંત્રી પદ તેમના પત્ની વિમળા દેવી (નિમ્રત કૌર)ને મળી જાય છે. તે વર્ષોથી પતિની દાદાગીરી સહન કરતી આવી છે. પતિના જેલ ગયા પછી તેને ખુરશીનું એવું વળગણ લાગ્યું કે તે કોઈપણ કિંમતે તેને ખોવા નથી માગતી. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે આઠમું નપાસ ગંગારામ આગળ અભ્યાસ કરવાનો દૃઢ નિશ્ચય કરી લે છે. તે સોગંધ લે છે કે જ્યાં સુધી દસમું પાસ નહીં થાય ત્યાં સુધી સીએમની ખુરશી પર નહીં બેસે. આ જ બિંદુ સાથે વાર્તા આગળ વધે છે. અંતે તમને ખબર પડશે કે નેતાજીએ ધોરણ 10 પાસ કર્યું કે કેમ? તેની શાન ઠેકાણે આવે છે કે પછી ઘમંડ બમણું થાય છે? આ ફિલ્મ તમને બે દિગ્ગજ નેતાઓની યાદ અપાવશે- એક તો બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, જેમણે જેલમાં ગયા બાદ સત્તા પત્ની રાબડી દેવીને સોંપી હતી. જ્યારે બીજા છે હરિયાણાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદળના કર્તાધર્તા અને પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા. ઓમપ્રકાશ ચૌટાલાએ 86 વર્ષની વયે જેલમાં રહીને જ ધોરણ 10 પાસ કર્યું હતું. ફિલ્મમાં અભિષેક બચ્ચનનો લૂક પણ ચૌટાલાને મળતો આવે છે.

 

નિર્દેશન

‘દસવીં’નું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે. ‘રામલીલા’, ‘પદ્માવત’, ‘બર્ફી’ જેવી જાણીતી ફિલ્મોમાં તુષાર જલોટાએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. પરંતુ પહેલી ફિલ્મ ‘દસવીં’માં તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. 8-9 ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યા પછી ‘દસવીં’નું નિર્દેશન તેમના શિરે હતું પરંતુ તેઓ ખાસ કમાલ ના કરી શક્યા. ફિલ્મમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળે છે. ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ નિવડી છે. જો તુષાર ફિલ્મને થોડી ટાઈટ રાખી શક્યા હોત તો છાપ છોડી શકી હોત.

લેખન

‘દસવીં’નું લેખન ‘કહાની 2’ના સ્ક્રિપ્ટ રાઈટર સુરેશ રૈના અને ‘કમાન્ડો’ તેમજ ‘સરદાર ઉધમ સિંહ’ જેવી શાનદાર ફિલ્મો લખનારા રિતેશ શાહે કર્યું છે. બંનેની જોડી આ વખતે ફિકી સાબિત થઈ હતી. ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં અભિષેક બચ્ચનની સ્પીચ છે, જે ફિલ્મના મુખ્ય સીન પૈકીની એક છે. પરંતુ સ્પીચનું લેખન એટલું નબળું હતું આ દ્રશ્ય સૌથી બેરંગ દ્રશ્ય લાગ્યું. ફિલ્મમાં કેટલાક સંવાદ એવા છે જે હસવા પર મજબૂક કરી દેશે. ફિલ્મની વાર્તા ક્યારેક એકદમ વેગ પકડી લે છે તો ક્યારેક સાવ ધીમી પડી જાય છે. આ જ ફિલ્મનું સૌથી નબળું પાસું છે. ફિલ્મના નિર્દેશક અને લેખક અમુક જગ્યાએ જે ભાવ જગાડવા માગતા હતા તે પડદા પર ના દર્શાવી શક્યા. એકદંર ફિલ્મની સ્ક્રીપ્ટ થોડી વધુ કસી શકાઈ હોત પરંતુ તેની ખોટ છે.

અભિનય

‘દસવીં’નો ભાર આમ તો અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌરના ખભે હતો પરંતુ બાકીના બે પર નિમ્રત ભારે પડી. તેણે ફરી એકવાર પોતાની નેચરલ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. યામી ગૌતમની ‘અ થર્સડે’ અને ‘બાલા’ જોયા પછી તેની પાસેથી વધુ અપેક્ષા હતી પરંતુ તે ખરી ના ઉતરી શકી. ‘દસવીં’નું મુખ્ય પાત્ર ગંગારામ ચૌધરી છે જેને અભિષેક બચ્ચને નિભાવ્યું છે. ‘લૂડો’, ‘બોબ બિશ્વાસ’, ‘ધ બિગ બુલ’ બાદ ‘દસવીં’ જૂનિયર બચ્ચનની ચોથી ફિલ્મ છે જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ બધી જ ફિલ્મોમાં અભિષેક બચ્ચનનો અલગ અને ગંભીર અંદાજ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, તે પહેલા કરતાં વધુ સારી રીતે પડદા પર નિખરી રહ્યો છે. ‘દસવીં’માં અભિષેકની એક્ટિંગના વખાણ ચોક્કસથી કરવા રહ્યા. પરંતુ ક્યાંક ક્યાંક તે બોડીલેંગ્વેજ ચૂકી જાય છે છતાં બાદમાં સંભાળી પણ લે છે.

 

ટેક્નિકલ પક્ષ

સિનેમેટોગ્રાફીની જવાબદારી કબીર તેજપાલની હતી. તેમણે આ ફિલ્મમાં સહેજ પણ કચાશ રાખી નથી. કેમેરા વર્ક સારું છે. મ્યૂઝિકની વાત કરીએ તો સચિન અને જિગરની જોડીનું સંગીત ફિલ્મમાં સાંભળવા મળશે. ફિલ્મના દ્રશ્યો અને સેટની વાત કરીએ તો શૂટિંગ આગ્રાની જેલમાં થયું છે. જેલની લાઈબ્રેરી અને સેલ પર ફોકસ કરવામાં આવ્યું છે. ઘણીવાર તમને દ્રશ્ય બેવડાતા હોય તેવું પણ લાગશે.

કેમ જોવી?

‘દસવીં’ પાસ થઈ કે ફેઈલ? આનો જવાબ છે કે ફિલ્મ મેરિટથી નહીં પણ ગ્રેસિંગ માર્ક્સથી પાસ થઈ છે. એવું લાગે છે કે, ફિલ્મના મેકર્સે શિક્ષણ જેવા સૌથી મોટા સામાજિક વિષય પર ફિલ્મ બનાવવાનો માત્ર ડોળ કર્યો છે. તેઓ ના તો આ મુદ્દાને સારી રીતે દર્શાવી શક્યા છે ના તો રાજકારણને. તમે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના ફેન હો તો તમારે તેમનો જાટ અવતાર મિસ ના કરવો જોઈએ.

Source link