માઁ અંબાના ભક્તો માટે ખુશખબર : આવતીકાલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

 

માઁ અંબાના ભક્તો માટે ખુશખબર : આવતીકાલે શરૂ થશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ

Thu, 07 Apr 2022 14:01:00 GMTThu, 07 Apr 2022 14:08:54 GMT

ગુજરાત ડેસ્ક : પવિત્ર ચૈત્ર નવરાત્રીના પાવન અવસર પર ગુજરાત (Gujarat) સરકારે માઁ અંબાના ભક્તોને ખુશખબરી આપી છે. આ મહોત્સવ યાત્રાધામ અંબાજી ખાતે આગામી ત્રણ દિવસ તારીખ 8, 9 અને 10 એપ્રિલના રોજ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં (Bhupendra Patel) વરદ હસ્તે અંબાજીના ગબ્બરગઢમાં  51 શક્તિપીઠ મહોત્સવ શરૂ થનાર છે. આ સાથે 17 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

આ મહોત્સવનાં આયોજન અંગે અંબાજી મંદિર પરિસર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું કે, 51 શક્તિપીઠોનું અંબાજી ગબ્બર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી (Ambaji) ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે ભાદરવી પૂનમના મેળાની જેમ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી હતી. આ મહોત્સવ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ હવે અંતિમ ચરણમાં જોવા મળી રહી છે.

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનું લોકાર્પણ

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેલો તેમજ જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ પ્રતિવર્ષ ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પ્રતીક્રમનું આયોજન કરવામાં આવશે. આ પરિક્રમા 8 એપ્રિલ 2022થી શરૂ કરવામાં આવશે અને 10 એપ્રિલ 2022નાં રોજ સમાપ્ત થશે. ગબ્બર ઉપર ત્રિ દિવસીય કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્કૃતધામ, રજોપચાર યજ્ઞ, આનંદના ગરબા, પરિક્રમા પથ પર પાલખી યાત્રા, મહા આરતી સહિતના અનેક કાર્યક્રમ યોજાનાર છે. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસ 8 એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસકાર્યોનું ભૂમિ પૂજન તેમજ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનું લોકાર્પણ કરાશે.

અંબાજીમાં યોજાશે વિવિધ કાર્યક્રમો

અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકીંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરાશે. તેમજ સાંજે ગબ્બર તળેટી ખાતે યોજાનાર ત્રિ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લું મુકશે અને ભારતના સૌથી મોટા રોક સ્ટોન પર થનાર લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદ્દઘાટન કરશે. આ ત્રિ દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી  સહિત રાજ્ય પ્રધાનો તેમજ સંસદ સભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે.

ચૈત્ર નવરાત્રીના અવસરે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો  છે. સવારની આરતીનો સમય સાતથી સાડા સાત, દર્શનનો સમય સવારે સાડા આઠથી સાડા અગિયાર અને સાંજે સાતથી નવા સુધી રહેશે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ 24 કલાકની અખંડ ધૂન માટે પરમિશન આપવામાં આવી છે.

Source link