મહેસાણા:પિતા-પુત્રએ સસ્તા iPhoneની લાલચ આપી 200થી વધુને છેતર્યા!

 

મહેસાણા: મહેસાણામાં પિતા-પુત્રએ સસ્તા iphoneની લાલચ આપી 200થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના આખજ ગામના નીલ અને ગોરધન પટેલે સસ્તા iphoneની લાલચ આપી લોકોને છેતર્યા રૂપિયા પડાવી લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર દેશભરમાં પિતા-પુત્ર સામે 20થી વધુ પોલીસ ફરિયાદ દાખલ હોવાનું જાણવા મળ્યું છે.

ઠગ પિતા સકંજામાં, પુત્ર હજી ફરાર
અમદાવાદ એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર નોટિસના આધારે હૈદરાબાદ પોલીસે ઠગ ગોરધન પટેલની ધરપકડ કરી છે જ્યારે પુત્ર હજી ફરાર હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઠગ પિતા-પુત્રની જોડીએ રૂ. 15000માં iphone આપવાના નામે અનેક લોગો પાસેથી રૂપિયા ખંખેરી લીધા.

પિતા-પુત્રએ ગ્રામજનો સાથે ક્યારેય ઠગાઈ કરી નથી: સરપંચ
મીડિયા રિપોર્ટ અનુસાર પિતા ગોરધન પટેલ થોડા સમયે પહેલાં ધંધાર્થે યુગાન્ડામાં સ્થાયી થયા હતા અને ત્યારબાદ રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે આખજ ગામના સરપંચનું કહેવું છે કે, પિતા-પુત્રએ ગ્રામજનો સાથે ક્યારેય કોઈ ઠગાઈ કરી નથી. ઉલ્લેખનીય છે કે, સસ્તુ ખરીદવાની લ્હાયમાં અનેક લોકો ભોગ બની જતા હોય છે, મહેસાણા જિલ્લામાં ભૂતકાળમાં પણ આવા બનાવો બની ચૂક્યા છે.

ઠગાઈ કરતા અદ્રશ્ય ભેજાબાજો પોલીસ માટે પડકાર
દિવસે દિવસે વધતા જતી છેતરપિંડીથી બચવાનું મહત્વનું માધ્યમ છે લોકજાગૃતિ. ગુનાનું પ્રમાણ અટકાવવા બેન્કના ફોન, ઓનલાઈન ખરીદી, વિવિધ ફ્રોડ લિન્કો અને સોશિયલ મીડીયા દ્વારા પરિચિતોના નામથી પૈસા માંગવા સહિતના ફ્રોડથી બચવાની પોલીસ દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. એક મીડિયા અહેવાલ અનુસાર મહેસાણા જિલ્લામાં છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થતાં ઠગાઈ કરતા અદ્રશ્ય ભેજાબાજો પોલીસ માટે પડકાર બન્યા છે.

Source link