મહીસાગર નદીમાં ડૂબવાથી 4નાં મોત, એકસાથે અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યું!

 

ખેડા: ધૂળેટીના દિવસે મહીસાગર નદીમાં ડૂબવાથી ચાર મિત્રોના મોત થયા હતા. ત્યારે શનિવારે એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળી હતી અને એકસાથે જ અંતિમ સંસ્કાર કરાતા આખું ગામ હિબકે ચઢ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કઠલાલના હેબતપુરા ગામના 4 યુવકો મહીસાગર નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં તેમના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે બાલાસિનોર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પીએમની કાર્યવાહી પૂર્ણ થતાં શનિવારે અંતિમવિધિ કરવામાં આવી હતી.

એકસાથે 4 યુવાનોના મોતથી ગામ હિબકે ચઢ્યું
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ હોળી ધૂળેટીનો તહેવાર રંગે ચંગે ઉજવવામાં આવ્યો. જો કે આ રંગોનો પર્વ અનેક પરિવારોમાં માતમ લઈને આવ્યો છે. ગુજરાતનાં જુદા-જુદા ભાગમાં ધૂળેટીનો પર્વ મનાવ્યા બાદ ન્હાવા પડેલા અનેક લોકો તણાયા હોવાના બનાવો સામે આવ્યા છે. જે પૈકી 12 કરતાં વધુ લોકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે, તો કેટલાકની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાઓમાં કઠલાલના 4 મિત્રોનો પણ મોતને ભેટ્યા છે. શનિવારે ચારેયા એકસાથે અતિમયાત્રા નીકળતા ગામ શોકમગ્ન બન્યું હતું.

દ્વારકાના ભાણવડમાં 5 તણાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શુક્રવારે હોળી રમીને ત્રિવેણી સંગમ ખાતે નદીમાં ન્હાવા પડેલા 5 કિશોરો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હોળી રમ્યા બાદ 5 મિત્રો ત્રિવેણી નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક પછી એક 5 કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. મૃતકોની ઓળખ જીતભાઈ કવા, હિમાંશુ રાઠોડ, ભૂપેન બગડા, ધવલ ચંડેગરા અને હિતાર્થ ગોસ્વામી તરીકે થઈ છે. 5 કિશોરની અંતિમયાત્રા નીકળતા ગમગીની છવાઈ હતી.

આ ઉપરાંત ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ વસો તાલુકા ઝારોલ ગામમાં પણ ધૂળેટીના પર્વને લઇ ગામમાં આવેલ તળાવમાં બે કિશોરો ન્હાવા પડ્યા હતા. જોકે ન્હાવા પડેલ કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોતને ભેટ્યા હતા. બન્ને કિશોરની ઓળખ 15 વર્ષનાં પ્રિતેશ સોલંકી અને 14 વર્ષનાં સાગર સોલંકી તરીકે થઈ છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આમ રંગોનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો.

Source link