ભાજપની જીત બાદ મીઠાઈ વહેંચવા બદલ મુસ્લિમ યુવકની હત્યા, બેની ધરપકડ

 

ભાજપની જીત બાદ મીઠાઈ વહેંચવા બદલ મુસ્લિમ યુવકની હત્યા, બેની ધરપકડ

કુશીનગર, ઉત્તર પ્રદેશ: તાજેતરમાં જ યોજાઈ ગયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય બહુમતીથી જીત મેળવ્યા બાદ જીતની ખુશીમાં મીઠાઈ વહેંચવા બદલ એક મુસ્લિમ યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી.
મીડિયાના અહેવાલો અનુસાર, બાબર વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યો હતો. જે વાત તેમની આસપાસ રહેતા પરિજનોને પસંદ ન હતી અને જે માટે તેમણે બાબરને ઠપકો આપીને ભાજપનો પ્રચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને ધમકીઓ પણ આપી હતી. પરંતુ દસમી માર્ચે પરિણામો જાહેર થયાં ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતીથી જીત થતાં ઉત્સાહમાં આવી ગયેલા બાબરે મીઠાઈ વહેંચતા બંને પક્ષે ફરી બોલાચાલી થઈ હતી.

સુરક્ષા માંગી હતી પરંતુ અપાઈ નહીં

જેના કારણે બાબરે રામકોલા પોલીસ મથકે જઈને સુરક્ષા પણ માંગી હતી પરંતુ ત્યારે તેની વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવી. ત્યારબાદ વીસમી માર્ચે બાબર અને તેમના પરિજન વચ્ચે ફરી ઝઘડો થયો અને બાબરની મારપીટ કરીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

‘જય શ્રીરામ’નો નારો લગાવતા મામલો બિચક્યો

જણાવવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ હોવાં છતાં ભાજપનો પ્રચાર કરવાના કારણે બાબતના પરિજનો તેમનાથી નારાજ હતા અને જેણે લઈને વીસમી માર્ચે ફરી વખર તેમનામાં ઝઘડો થયો હતો. વધુમાં બાબરે ‘જય શ્રીરામ’નો નારો લગાવતા હુમલાખોરો વધુ ઉશ્કેરાયા હતા અને તેમણે બાબર પર હુમલો કરી દીધો હતો. બાબર તેમનાથી બચવા માટે અગાસી પર ભાગી ગયો હતો પરંતુ હુમલાખોરો ત્યાં પણ તેની પાછળ ગયા અને મારીને તેને છત પરથી નીચે ફેંકી દીધો હતો.

લખનઉમાં સારવાર દરમિયાન મોત

છત પરથી નીચે ફેંક્યા બાદ સારવાર માટે બાબતને રામકોલાના સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી ડોક્ટરો દ્વારા જિલ્લા હોસ્પિટલ અને પછી લખનઉ રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ લખનઉમાં સારવાર દરમિયાન 25 માર્ચે તેનું મોત નીપજ્યું હતું. બાબરનો મૃતદેહ વતન પહોંચતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વચન

આ મામલે બાબરી પત્નીએ રામકોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જેને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્થળ પર પહોંચેલા એસડીએમે જણાવ્યું હતું કે, મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને જે દોષી હશે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચતા પરિજનો અંતિમ સંસ્કાર કરવા માટે રાજી થયા હતા. ભાજપી ધારાસભ્યે કહ્યું કે, આરોપીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Source link