બેન સ્ટોક્સ બન્યો ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો નવો સુકાની, જો રૂટનું સ્થાન લેશે

 

સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સને ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. જો રૂટે પાંચ સુધી ટેસ્ટ ટીમની કેપ્ટનસી સંભાળ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં સુકાની પદ છોડી દીધું હતું. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડ 64 ટેસ્ટ રમ્યું પરંતુ છેલ્લી 17 ટેસ્ટમાં ફક્ત એક વિજયના કારણે તેની કેપ્ટનસી સામે સવાલો ઉઠ્યા હતા. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયામાં 4-0થી એશિઝ સીરિઝ ગુમાવી દીધી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝણાં તેને 1-0થી સામનો કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કીએ જણાવ્યું હતું કે, ટેસ્ટ કેપ્ટન તરીકે બેન સ્ટોક્સની નિમણૂક કરતા મને કોઈ ખચકાટ થતો નથી. તે માનસિકતા અને અભિગમને દર્શાવે છે કે અમે આ ટીમને રેડ-બોલ ક્રિકેટના આગામી યુગમાં આગળ લઈ જવા માંગીએ છીએ. નોંધનીય છે કે રોબ કીએ આ મહિનાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટરની જવાબદારી સંભાળી હતી. ત્યારથી તેમણે પ્રથમ વખત મોટી નિમણૂક કરી છે.

30 વર્ષીય બેન સ્ટોક્સે અત્યાર સુધી 79 ટેસ્ટમાં 5000થી વધુ રન નોંધાવ્યા છે અને 174 વિકેટ ઝડપી છે. તેણે જણાવ્યું હતું કે, હું ઘણો જ નસીબદાર છું અને આ પદને લઈને રોમાંચિત છું. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ ડ્રેસિંગ રૂમમાં અગ્રણી વ્યક્તિ તરીકે તેના વિકાસમાં રૂટની ભૂમિકાને સ્વીકારે છે. તેણે કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમમાં એક લીડર તરીકે મારા વિકાસમાં રૂટનું યોગદાન ઘણું મહત્વનું છે. તેથી સુકાની પદની ભૂમિકા માટે પણ મારા માટે તે મહત્વનો રહેશે.

રૂટ બાદ બેન સ્ટોક્સ ટેસ્ટના સુકાની પદ માટે પ્રથમ પસંદ હતો પરંતુ તેની ઈજા અને તેનો વર્કલોડ ટીમ માટે ચિંતાનો વિષય રહેશે. પોતાની મેન્ટલ હેલ્થના કારણે બેન સ્ટોક્સે ગત વર્ષે ક્રિકેટમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લીધો હતો. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને સ્ટોક્સના નેતૃત્વમાં એક નવા યુગ અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે.
 માંગતેમણે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવાનો અર્થ શું થાય છે તેની તેને ઊંડાણપૂર્વક સમજ છે અને જુસ્સાથી ધ્યાન રાખે છે. તે અમને ખૂબ જ ગૌરવ સાથે નવા યુગમાં લઈ જશે. ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ માટે અને બેન સ્ટોક્સ માટે આ સમર મહત્વનો રહેશે. મને ખાતરી છે કે બેન સ્ટોક્સ તેની અને તેની ટીમ સામે આવેલા પડકારનો આનંદ માણશે. નોંધનીય છે કે સુકાની તરીકે સ્ટોક્સની પ્રથમ સીરિઝ ન્યૂઝીલેન્ડ સામે હશે જે જૂનમાં રમાશે.

Source link