‘બુકે કે ફુલ કંઈપણ ચાલશે, પણ હાર નહીં’, સી આર પાટીલનો વિડીયો વાયરલ

 

અમદાવાદ: ભાજપે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સમગ્ર રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ શુક્રવારે નર્મદા જિલ્લાના રાજપીપળા એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે ઊભેલા ભાજપના કાર્યકરોએ ફુલનો હાર તૈયાર રાખ્યો હતો. પરંતુ પાટીલે હાર પહેરવાનો કે હાથમાં લેવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, ‘ફુલ કે બુકે ચાલશે પણ હાર નહીં.’ તે પછી તેમના સ્વાગત માટે બુકેની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

સી આર પાટીલ રાજપીપળામાં પહોંચ્યા ત્યારે કારમાંથી ઉતરતી વખતે જ ભાજપના કાર્યકરોને હાથ જોડીને હાર ન પહેરાવવા કહ્યું હતું. ભાજપના કાર્યકરોએ તેમને હાર હાથમાં પકડવા વિનંતી કરી તો તેમ કરવાની પણ તેમણે ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, આ અંગે આપણે પરિપત્ર કર્યો છે અને કદી કોઈપણ પ્રકારનો ફુલનો હાર પહેરવાનો નથી. ફુલ કે બુકે કંઈ પણ ચાલશે, પણ હાર નહીં તેમ કહી તેમણે ફુલના હારનો સ્વીકાર કર્યો ન હતો. આખરે ભાજપના કાર્યકરોએ તેમનું ફુલના બુકેથી સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પર સી આર પાટીલનો આ વિડીયો વાયરલ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કોઈપણ કાર્યક્રમમાં ફુલના હારથી સ્વાગત ન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ફુલના હારમાં ખર્ચો કરવાને બદલે તે રૂપિયા બીજા કામમાં વાપરવા જોઈએ. જોકે, આનંદીબેને મુખ્યમંત્રી પદ છોડ્યું તે પછી તેમની વાત ભૂલાઈ ગઈ હતી અને ભાજપના બધા કાર્યક્રમોમાં નેતાઓ અને મહેમાનોનું સ્વાગત કરવા ફુલના હારનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો હતો. હવે, સી આર પાટીલે ફુલનો હાર સ્વીકારવાનો ઈનકાર કરી એ પરંપરા ફરી શરૂ કરી છે. જોકે, લોકો મજાકમાં એવું પણ કહી રહ્યા છે કે, સી આર પાટીલને ચૂંટણીમાં ‘હાર’ની બીક લાગતી હોવાથી તેઓ ફુલનો હાર પણ નથી અડી રહ્યા.

Source link